અમરેલી જિલ્લાના દરિયાકાંઠે હાઈટાઈડની સ્થિતિ વચ્ચે દરિયો તોફાની બન્યો છે. જાફરાબાદ બંદર, ધારાબંદર, પીપાવાવ અને શિયાળબેટ સહિતના કોસ્ટલ વિસ્તારમાં દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં વરસાદની આગાહી અને સક્રિય હવામાન પ્રણાલીના કારણે દરિયામાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાતા દરિયો વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ બન્યું છે. તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને તેમની બોટો સુરક્ષિત રીતે દરિયાકાંઠે રાખવામાં આવી છે.
સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને દરિયાની નજીક ન જવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. જાફરાબાદ સહિત સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં તંત્ર સતત નજર રાખી રહ્યું છે.