અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્રને ઉપ જિલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ કરવાની માંગ કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યુ કે ધારી તાલુકા સાથે આસપાસના ૪૦થી વધુ ગામોના લોકો સારવાર માટે આ કેન્દ્ર ઉપર આધાર રાખે છે. છેલ્લા કેટલાક સમયથી દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાથી હાલની આરોગ્ય સુવિધાઓ ઓછી પડી રહી છે. ગીર વિસ્તાર તેમજ સ્ટેટ હાઇવે ઉપર અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે જેથી ટ્રોમા કેર સહિતની આધુનિક સારવારની સુવિધા ઉપલબ્ધ થાય તે ખુબ જરૂરી બની છે.









































