અમરેલીશહેરના લાઠી રોડ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. ૪માં નગરપાલિકાની ગટર બ્લોક થઈ જતાં વરસાદી તેમજ ગટરનું પાણી રસ્તા પર ભરાઈ રહ્યું છે. ખાસ કરીને માધવનગર વિસ્તારના રહીશોએ આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, લાઠી રોડ પર આવેલી દસથી વધુ સોસાયટીઓ માટે આ મુખ્ય માર્ગ છે. ગટરનું પાણી ન જતાં સતત પાણી ભરાઈ રહે છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાને કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ મચ્છરોના ઉપદ્રવ સાથે ચેપી રોગચાળો ફેલાવવાની પણ ભીતિ સેવાઈ રહી છે.માધવનગરના રહીશોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક ગટર સફાઈ કરાવી પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો વરસાદ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. નગરપાલિકા દ્વારા વહેલી તકે ગટર બ્લોકેજ દૂર કરી માર્ગ પર ભરાયેલું પાણી કાઢવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.









































