અમરેલી જિલ્લામાં સવારથી જ મેઘો મહેરબાન થયો છે ક્યાંક ધીમીધારે તો ક્યાંક જોરદાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી જ ક્યાંક ધીમીધારે તો ક્યાંક જોરદાર વરસાદ વરસ્યો હતો જેમાં ખાસ કરીને બગસરા પંથકમાં રાત્રિના નવ કલાકે જોરદાર વરસાદ વરસતા રસ્તાઓ પર નદીઓ વહી જવા પામી હતી. રાત્રિના આઠ કલાક સુધીમાં સૌથી વધુ વરસાદ રાજુલામાં પડ્‌યો હતો તો વડીયા અને ખાંભામાં પણ સારો વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી સતત વરસી રહેલા વરસાદ ને કારણે કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકને ફાયદો થયો છે સતત વરસી રહેલા વરસાદ ને કારણે અમુક ખેતરોમાં પાણી પણ ભરાયા હતા. વરસાદથી નદી નાળા અને ચેકડેમ પણ છલકાયા હતા. આમ વહેલી સવારથી જ અમરેલી જિલ્લામાં મેઘાએ મુકામ કરતા ખેડૂતો અને લોકોના ચહેરા પર ખુશી જોવા મળે છે. આ લખાય છે ત્યાં સુધી પણ હજુ વરસાદ સતત ચાલુ રહ્યો હોવાના વાવડ મળી રહ્યા છે.