ધોરાજી અને ઉપલેટા પંથકમાં ચોમાસાની સિઝન દરમિયાન પૂરતો વરસાદ ન થતાં તેની સીધી અસર પશુપાલન વ્યવસાય પર પડી છે. વરસાદ ખેંચાતા ઘાસચારાનું ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે ઘાસચારો અને પશુ આહારના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ રૂ. ૬૦થી ૭૦ પ્રતિ મણ મળતો ઘાસચારો હવે રૂ. ૧૨૦થી ૧૩૦ સુધી પહોંચ્યો છે. કપાસિયા ખોળ સહિતના પશુ આહારના ભાવમાં પણ ભારે વધારો નોંધાયો છે, જેના કારણે પશુપાલનનો ખર્ચ લગભગ બમણો થયો છે. બીજી તરફ દૂધના ભાવમાં તે મુજબ વધારો ન થતાં પશુપાલકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ દૂધના રૂ. ૫૦થી ૬૦ પ્રતિ લિટર મળતા ભાવ પૂરતા નથી હોવાનું પશુપાલકોનું કહેવું છે. તેઓ દૂધનો યોગ્ય ભાવ નક્કી કરવા અને સરકાર દ્વારા રાહતના પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે આગામી વરસાદ પર પણ તેમની આશા ટકેલી છે.








































