ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા શાળા સ્તરે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત સાવરકુંડલા તાલુકાના શેલણા ગામની પ્રાથમિક શાળામાં ‘ડેન્ગ્યુ માસ’ નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડા. પારધી અને સુપરવાઇઝર મુકુંદભાઈ ખુમાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં હિંમતભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને રોગોના લક્ષણો, કારણો અને બચવાના ઉપાયો અંગે માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત, મચ્છરોના પોરાનો નાશ કરવા ગપ્પી માછલીનું પ્રત્યક્ષ નિદર્શન આપી ગામના ઘરોમાં તેને મૂકવાની કામગીરી હાથ ધરાઈ હતી. સાથે જ આરોગ્ય ટીમો દ્વારા મચ્છરોનો પ્રજનન દર અટકાવવા ખાડા-ખાબોચિયાંમાં ભરાયેલા વરસાદી પાણીમાં બળેલું ઓઇલ નાખવામાં આવ્યું હતું.