સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી ઉંટડી ગ્રામ પંચાયત સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને રૂ.૫ લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં ગ્રામ પંચાયતના સરપંચના પતિ સંજયભાઈ પ્રતાપભાઈ કમેજળીયા અને ઉંટડી ગ્રામ પંચાયતના ઉપસરપંચ સુનીલભાઈ સુભાષભાઈ કટુડીયાનો સમાવેશ થાય છે.એસીબીને મળેલી ફરિયાદ મુજબ, ફરિયાદી ઉંટડી ગામની નક્કી કરાયેલી જગ્યાએથી રેતી કાઢવા માંગતા હતા. આ માટે આરોપીઓએ પ્રતિ ટ્રક ૧,૦૦૦ લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ તેના બદલે ગામના ધર્માદામાં પ્રતિ ટ્રક રૂ.૧૦૦ આપવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ આરોપીઓ લાંચની માંગણી પર અડગ રહ્યા હતા. બાદમાં આરોપી સંજયભાઈ કમેજળીયાએ કુલ રૂ.૬.૩૦ લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી સાથેની રકઝક બાદ સોદો રૂ.૫ લાખમાં નક્કી થયો હતો. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કર્યો અને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીબીએ ૨૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ લીંબડી હાઇવે ચાર રસ્તા નજીક આવેલા પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન સંજયભાઈ કમેજળીયાએ ફરિયાદી પાસેથી રૂ.૫ લાખની લાંચ સ્વીકારી હતી, ત્યારે એસીબીની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.તપાસ દરમિયાન આરોપી સંજયભાઈએ પોતાના મોબાઇલ ફોન પરથી ઉપસરપંચ સુનીલભાઈ કટુડીયાને ફોન કરી વાતચીત કરી હતી. ત્યારબાદ સુનીલભાઈ પણ સ્થળ પર પહોંચતા એસીબીએ તેમની પણ ધરપકડ કરી હતી.એસીબીના જણાવ્યા અનુસાર, ઉપસરપંચે પોતાના જાહેર હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત કૃત્યમાં સહભાગી બન્યા હોવાના આરોપસર બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.








































