“બકા..બકા..! તમારો આજ વાંધો છે. ઓલી કહેવત નથી..‘ઘરણ ટાણે હાપ નીકળે.’ એમ તમારું કામ હોય ત્યારે જ તમારાં ઠેકાણાં નો હોય. અમથા વારે વારે કહો છો કે, અમારાં જેવું, અમારાં ઘર જેવું,અને અમારું ઘર હલાવે એવું ઠેકાણું હોય તો કે’જો.
અને કહેવાની ઘડી આવી તો કોઈ શોધ્યો’ય ના જડ્‌યો.”
બેરાલાલ ધાર કાઢીને બકાને ઉપાડી રહ્યાં હતાં.
બકો કાંઈ ચોખવટના ચોખા ચોડે ઈ પહેલાં બેરાલાલ ધાણી ફૂટે એમ ફૂટી રહ્યાં હતાં.
“લખમી ચાંદલો કરવાં આવે ને ! તો એ કાંઈ તમારી રાહ જોઈને ઊભી ના રહે. તમે નહીં તો તમારો ભાઈ. એ ચાંદલો કરીને જ જાય. અને તમારે હંધાયને એક હારે જ શું કામ આવી ચડ્‌યું કે હંધાય ગાયબ થઈ ગયાં!? અને કોઈને કાંઈ ખબર ખત વગરના વયા ગયાં. તમારી હાત પેઢીનું દાળદર ફીટેને એવું ઠેકાણું હતું.
તમારી ઘરે હારા હારાની લાઈનુ લાગેને એવું નાતરુ હતું. પણ હવે પારાવાર પસ્તાવો કરો. માથે ઓઢીને રોવો. ”
“બેરાલાલ! અમેય અમારી લાઈનમાં હોઈએ કે નહીં !? તમારી જેવાં કોઈક વાત હલાવે એટલે અમારે તો આંખ મીંચીને એની વાંહે વાંહે જ હાલવાનું હોય ને!! આગે આગે ગોરખ જાગે. પણ ગોરખ સુધી પહોંચવું તો પડે જ .
પણ તમે બોવ બોવ વખાણ કરો છો તો કહો તો ખરાં કે એ ઠેકાણું ક્યાં હતું? અને કેવું’ક હતું??
એવું હોય તો આપણે હજીય તમ તમારે તૈયાર જ છીએ હોં!! લાખના બાર હજાર કરીશું તમ તમારે. અને એટલે જ બાપાએ વીસ વેચીને ત્રીસ રાખી છે.
તમ તમારે હજીય ઘોડો પછાડી દેવો છે!??”
“બકા..! ઈ તો હવે ‘રાઈના ભાવ રાતે ગયાં.’ ગઈ તિથિ તો હવે ભામણે’ય (બ્રાહ્મણ)વાંચતો નથી.”
“છતાંય કહો તો ખરાં કે, એ ઠેકાણું કોણ હતું?”
“સ્પેનની ૩૮ વર્ષની મોડેલ “બોની લોકેડ” કોઈ છોકરો ના મળ્યો એટલે એકલી એકલી અરીસાને પરણી ગઈ. હવે તમે એકાદ હોત તો ઘર બંધાય જાત ને!!”
બેરાલાલ અને બકાની ધાર કાઢીને આ લમણાંજીક હાલી રહી હતી.
બેરાલાલને પસ્તાવાનો પાર નહોતો. પણ કરે શું? વરરાજા વગરની જાન કોની જોડવી? અને ન્યા તો ઘડિયા લગન હતાં. ‘ઝટ મંગની પટ બ્યાહ.’
બનેવીલાલ ક્યારનાં હાંભળી રહ્યાં હતાં.
“બેરાલાલ! તમે હાંભળો તો ખરાં કે, બકો અને હંધાય હાઢુભાઈ ગયાં તા ક્યાં? ક્યાંક ઈ ય નાતરાંમાં નો અટવાણા હોય. એવું’ય બની હકે ને!!”
“બનેવીલાલ! તો તો એવડી મોટી વાત દાબી રહે ખરી!? આવી વાતું તો પંખીની પાંખે ચડી જાય. છાપું તો હવારે આવતાં આવે. આ તો રાતોરાત વાયરલ થઈ જાય.
થાવાનું હોય તો તૂટી’ય જાય. અને નો થાવાનું હોય તો થઈ પણ જાય.”
“પણ એને બોલવાં તો દયો કે એ ગયાં તાં ક્યાં? બોલ બકા બોલ!! તમે હંધાય ક્યાં હલવાણાં તાં!?”
હવે બકાને ચોખવટ કર્યા વગર છૂટકો જ નહોતો.
“બનેવીલાલ, બેરાલાલ ! અમે હંધાય હાઢુભાઈ ૪૨ જણાં સાથે મળીને મધ્ય પ્રદેશનાં દેવાસ ગામે ગયાં હતાં.”
“ન્યા હું છોકરીઓ જોવા ગ્યા તા !? કોણ દલાલ હતો? અને હું કરીને આવ્યાં?”
બેરાલાલની ધડકનો વધી ગઈ.
“છોકરીઓ જોવા નહીં. લગન કરવાં. છોકરીઓ તો મોબાઈલમાં જોઈ લીધી ‘તી. ”
“તો પછી..હારા કપડાં -બપડાં,પીઠી -બીઠી અને જાનૈયાને નો કીધું?”
“કપડાં અને પીઠી ન્યા કરવાનાં હતાં. જાનૈયા લાવવાની મનાઈ હતી. સમૂહ લગ્ન હતાં ને એટલે.”
“તો.. પછી..! કેટલો ચાંદલો મતલબ કેટલામાં ભંગાણા? ”
“તમને કોણે કહ્યું કે અમે ભંગાણા છીએ?”
“તમારાં હંધાયના દરહણ જોઈને લાગે છે કે, કોઈ તો ગંભીર વાત છે. હવે શું થયું ઈ માંડીને વાત કરશો?”
“અમારી પાંહે એક છાપાની જાહેરાત આવી. લખ્યું હતું કે, ‘સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છુક મુરતિયાને રૂપિયા પચ્ચીસ હજાર રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. કન્યાઓ ઈન્દોરના માતૃછાયા અનાથ આશ્રમમાંથી આવશે.’
સમૂહ લગ્ન એકદમ સાદાઈથી કરવામાં આવશે. જાનૈયા લાવવાનાં નથી. કપડાં અને પીઠીની રસમ અહીં એકસાથે કરવામાં આવશે.
લિમિટેડ કન્યાઓ હોવાથી વહેલાં તે પહેલાંનાં ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેવું.”
“એટલે આ વાંચીને તમારાં હંધાયના મોઢાંમાં પાણીનાં ફુવારા છૂટવા લાગ્યાં. અને હંધાય હાઢુભાઈ હારે ઉપડ્‌યા પરણવા. પણ, પછી શું થયું? તમે જેને પરણીને લાવ્યાં ઈ વહુંઓ ક્યાં છે? અમારે એમને આશિર્વાદ આપવા છે.”
“શું તમેય તે બેરાલાલ! ભાંગેલાને વધારે ભાંગો છો. ઓછાં નામે કારમાં ઘા ઉપર મીઠું તો ના ભભરાવો.”
“એટલે? તમારાં લગન -બગન નથી થયાં એમ??”
“હા..આ..! ૨૪ મે ૨૦૨૬ ના રોજ અમે ત્યાં પહોંચી તો ગયાં. પણ શંકાના વાદળો ઘેરાઈ રહ્યા હતાં. હમણાં કન્યાઓ આવશે, હમણાં કન્યાઓ આવશે. એવું હાંભળી હાંભળીને સાંજ પડી. અંધારું આવવાની તૈયારી. પણ, કન્યાઓ ના આવી.”
“પછી શું થયું? ”
“હવે અમારી પાંહે એક જ રસ્તો હતો. પોલીસ સ્ટેશનનો.
પોલીસ આવી ખરી પણ, ખાતર ઉપર દીવો કર્યો ત્યારે એમણે આરોપી મુકેશ અને એમની પત્નીની ધરપકડ કરી ત્યારે અમને હમજાયુ કે, અમારી હારે સોશિયલ ગેમ રમાણી છે. અને અમે હંધાય પચ્ચીસ પચ્ચીસ હજારનો ચાંદલો કરીને વીલે મોંઢે પાછાં ફર્યાં.”
kalubhaibhad123@gmail.com