બાબરા શહેરના ગેબી વિસામે અષાઢી બીજના પાવન પર્વની મહંત રાજુબાપુની નિશ્રામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી બાબરા શહેર તેમજ આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્‌યા હતા. ભાવિકોએ રામદેવપીરના દર્શન કરી અખંડ જ્યોત અને અખંડ પાઠના દર્શનનો લાભ લીધો હતો. આ અવસરે શ્રધ્ધાળુઓએ પરિવાર, સમાજ અને દેશના સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી.
દિવસભર ભજન, ધૂન અને સત્સંગના કાર્યક્રમો યોજાતા સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્‌યો હતો. ભાવિકોએ ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર આયોજન સુચારૂ રીતે સંપન્ન થયું હતું.