રાજુલાથી મહુવા રોડ પર આવેલ રેલવે ફાટક વારંવાર બંધ રહેતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પીપાવાવ પોર્ટ તરફ જતી ૨૦થી ૨૫ માલગાડીઓના કારણે દિવસ દરમિયાન અનેક વખત ફાટક લાંબા સમય સુધી બંધ રહે છે. આ માર્ગ પર દેવકા વિદ્યાપીઠ, નોબલ સ્કૂલ, સરકારી આઈ.ટી.આઈ. તેમજ હોસ્પિટલો આવેલી હોવાથી વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ઈમરજન્સી વાહનોને ભારે હાલાકી પડે છે. રેલવે ટ્રાફિકમાં વધારો થયો હોવા છતાં હજુ સુધી અંડરપાસ કે ઓવરબ્રિજની વ્યવસ્થા કરવામાં આવી નથી. રાજુલાના નાગરિકો, વાલીઓ, ખેડૂતો અને સામાજિક સંગઠનો દ્વારા તાત્કાલિક અંડરપાસ બનાવવાની માંગ કરવામાં આવી છે.








































