અમરેલીની એન્જલ હોટલ ખાતે ૧૧ જુલાઇ ૨૦૨૬ ના રોજ ઇનરવ્હિલ ક્લબ ઓફ અમરેલી ગીરના ૮મા શપથગ્રહણ સમારોહ “સપ્તરંગ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સેજલબેન સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા સત્ર માટે ક્લબના પ્રેસિડેન્ટ તરીકે શીતલ તુષાર જોષી અને સેક્રેટરી તરીકે રાધિકા ગોલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ સાથે ક્લબની અન્ય વહીવટી પાંખમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જાનકી અટારા, જોઇન્ટ સેક્રેટરી તરીકે શિવાની પરીખ, ટ્રેઝરર તરીકે બીના ગાંધી, આઇ.એસ.ઓ. તરીકે વૈશાલી જોબનપુત્રા, એડિટર તરીકે નિશા ત્રિવેદી અને ઇ-એડિટર તરીકે સંગીતા જીવાણીએ પોતાના હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા.આ ગરિમાપૂર્ણ સમારોહમાં ક્લબના સેવાકાર્યોના વ્યાપને વધારવા માટે આ વર્ષથી જોડાયેલા પંદર જેટલા નવા સભ્યોએ પણ શપથ લીધા હતા. જેમાં ડો. સોનલ ઠાકર,
ડો. કૃતિકા શાહ, ડો. કિશોરી ચોટલિયા, અર્ચના પંડ્યા, સુરભિ વામજા, વંદના સોની, આરતી જાની, હિરલ માનિયા, નિશિતા જાની, કાજલ જોષી, રીમા ચૌહાણ, મીનાક્ષી ઠાકર, ભાવના ચોટલિયા, તૃપ્તિ અગ્રાવત અને નિશા ખખ્ખરનો સમાવેશ થાય છે. ઇનરવ્હિલ ક્લબનો મૂળભૂત ધ્યેય મૈત્રી, સેવા અને આંતરરાષ્ટ્રીય સમજણનો છે. આ ઉમદા મૂલ્યોને કેન્દ્રમાં રાખીને આગામી વર્ષ દરમિયાન સમાજ ઉપયોગી અસંખ્ય સેવાકીય પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. નવી ટીમે મહિલા સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ, બાળ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન અને જરૂરિયાતમંદોની સહાય જેવા વિવિધ ક્ષેત્રોમાં અર્થપૂર્ણ કાર્યો કરવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો છે.કાર્યક્રમ દરમિયાન પૂર્વ પ્રેસિડેન્ટ નિધિ મહેતા અને પૂર્વ સેક્રેટરી બીના ત્રિવેદીએ ગત વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા કરવામાં આવેલા સફળ પ્રોજેક્ટ્સની વિગતવાર માહિતી રજૂ કરી હતી, જેને ઉપસ્થિત તમામ સભ્યોએ હૃદયપૂર્વક બિરદાવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અમરેલી ગીરના પ્રેસિડેન્ટ રવી પરીખ અને સેક્રેટરી ડો. જીત જોષી તેમજ રોટરેક્ટ ક્લબ ઓફ અમરેલીના પ્રેસિડેન્ટ આશિષ રૂપારેલિયા, સેક્રેટરી નિખિલ સોઢા અને પૂર્વ પ્રેસિડેન્ટ મિતિલ ઠાકર તથા નયના આચાર્ય સહિતના અગ્રણી સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે પર્યાવરણના જતનના સંદેશ સાથે ડ્રીમ કેચર કન્સલ્ટન્સી દ્વારા તમામ સભ્યોને ઔષધિય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન નિશા ત્રિવેદીએ કર્યું હતું, તેમ સેક્રેટરી રાધિકા ગોલની યાદીમાં જણાવાયું છે.








































