અમરેલી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને ગરમી બાદ સાંજ પડતા જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે અમરેલી શહેરના અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રાજકમલ ચોક, નાગનાથ વિસ્તાર, કેરીયા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ધીમી ગતિએ વાહનો ચલાવવાની ફરજ પડી હતી. જિલ્લાના બાબાપુર, મેડી, તરવડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બારે મેઘ ખાંગા થયા હતા. ભારે વરસાદના કારણે નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક સ્થળોએ અવરજવર પ્રભાવિત બની હતી. ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળતાં લોકોને જરૂરી કામ માટે બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી. સાવરકુંડલામાં સતત બીજા દિવસે ધોધમાર અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. તો લાઠીમાં બે ઈંચ જેટલો વરસાદ પડતા માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા. આમ, અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી હતી.
જાળીયા,કમીગઢ આસપાસના ગામોમાં ૭ ઈંચ વરસાદ
અમરેલી જિલ્લાના જાળીયા, કમીગઢ આસપાસના પંથકમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતુ. આ ત્રણેય ગામમાં અવિરત વરસાદ વરસતા ૭થી ૮ ઈંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ અને ખેતરો પાણીથી તરબોળ બની ગયા હતા.નિચાળવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આમ, મેઘરાજાએ અમરેલી જિલ્લામાં મુકામ કરતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.
સા.કુંડલાનો સુરજવડી ડેમ ઓવરફ્લો
સા.કુંડલા પંથકમાં ભારે વરસાદને કારણે સુરજવડી ડેમ ઓવરફ્લો થયો છે. જેથી ડેમની નીચે આવતા દોલતી,ધાંડલા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સુરજવડી ડેમ ૦.૧૦ મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે.









































