ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉના તાલુકાના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉના તાલુકાના સુલતાનપુર ગામ પાસે વહેતી માલણ નદી બે કાંઠે વહેતી થતાં પૂરનું પાણી ગામમાં ઘૂસી ગયું હતું. ભારે વરસાદના પગલે ગામને જાડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતાં સુલતાનપુર ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તાત્કાલિક અસરથી તૂટી ગયો હતો.
પૂરના પાણી ગામની શેરીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જાવા મળ્યો હતો. જાકે વહીવટી તંત્ર, પોલીસ અને સ્થાનિક ટીમો સતત પરિસ્થિતી પર નજર રાખી રહી છે અને જરૂરિયાત મુજબ રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટનાના અહેવાલ સામે આવ્યા નથી.બીજી તરફ, ઉના તાલુકાના પસવાળા ગામે પણ ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પરિસ્થિતી ગંભીર બનતાં ઉના પોલીસની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. પોલીસની સમયસૂચક કામગીરીના કારણે સંભવિત જાનહાનિ ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
હાલ જિલ્લામાં વરસાદ યથાવત રહેતા વહીવટી તંત્ર દ્વારા નદી-નાળાઓની નજીક ન જવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સજાગ રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.











































