ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે હાલ ફરી એકવાર કાયદાના ધજાગરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો દારૂની પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયો મામલે ચોંકાવનારી બાબત તો એ છે કે, આ દારૂની પાર્ટીના વાયરલ વીડિયોમાં સત્તાની દોર જેના હાથમાં છે તેવા સત્તાધારી પક્ષ ભાજપના જ કાઉન્સિલર નજરે ચઢી રહ્યા છે. વાયરલ વીડિયોમાં અગાઉ ચર્ચામાં આવી ચૂકેલા ભાજપ કાઉન્સિલર સની ખાનચંદાની હોવાનો દાવો કરાઈ રહ્યો છે, ત્યારે આ વાયરલ વીડિયોએ હાલ ફરી એકવાર ખળભળાટ મચાવ્યો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ સરદારનગરના ભાજપના કાઉન્સિલર સની ખાનચંદાનીએ ગઈકાલે ૪થી જુલાઈએ પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે એક ફાર્મ હાઉસમાં ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ બર્થડે પાર્ટીમાં તેમણે પોતાના અંગત મિત્રો સાથે મળીને કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી હતી. વાયરલ વીડિયોમાં પણ ભાજપ કાઉન્સિલર સની અને તેમના મિત્રો દારૂની બોટલો સ્પષ્ટપણે જાવા મળી રહ્યા છે. ત્યારે દારૂબંધીના દાવાને પડકાર ફેંકતા આ વાયરલ વીડિયોએ હાલ સમગ્ર શહેરમાં અને રાજકીય વર્તુળમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
નોંધનીય છે કે, સરદારનગરના કાઉન્સિલર સની ખાનચંદાની આ પહેલીવાર ચર્ચામાં નથી આવ્યા, આ અગાઉ પણ તેઓ અનેક વખત વિવાદોમાં આવી ચુક્યા છે. આ પહેલાં પણ તેમની આવી જ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને દારૂ-બીયરની બોટલો સાથેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચુક્યા છે. ત્યારે અગાઉના વિવાદોમાંથી કંઈક શીખવાને બદલે નેતાજી ફરી એકવાર દારૂની પાર્ટી કરતા કેમેરામાં કેદ થતાં ભાજપની શિસ્ત અને દારૂબંધીની નીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ખેડા જિલ્લામાં ભાજપ નેતાના પુત્રનું પણ લાખોની કિંમતના દારૂની હેરાફેરીમાં નામ ખુલ્યું હતું.એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલ) દરોડામાં કપડવંજ તાલુકા પંચાયતની વઘાસ બેઠકના ભાજપના સદસ્ય મફતભાઈ ઝાલાના પુત્ર લિંકન ઝાલાને દારૂની મોટી ખેપ મારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.ભાજપ નેતા મફતભાઈ ઝાલાના પુત્ર લિંકન ઝાલા કારમાંથી ૨૧૬૦ વિદેશી દારૂની બોટલ સાથે નકલી નંબર પ્લેટ સહિત ઝડપાયો હતો ત્યારે નેતાઓ અને તેમના સગા સંબંધીઓ જ આ રીતે ગેરકાયદે પ્રવૃત્તિમાં પકડાય એ ગંભીર બાબત છે.
દારૂબંધીવાળા ગાંધીના ગુજરાતમાં નેતાઓ જ જ્યારે કાયદો હાથમાં લેતા હોવાના પુરાવા સામે આવે, ત્યારે સામાન્ય જનતામાં પણ તંત્ર પ્રત્યે રોષ વ્યાપે તે સ્વાભાવિક છે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે શું પોલીસ આ શાસક પક્ષના નેતા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની હિંમત બતાવશે ખરી? હાલમાં આ મામલે ભાજપ સંગઠન કે સ્થાનિક પોલીસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ આ વીડિયોએ રાજકીય ગરમાવો ચોક્કસ વધારી દીધો છે.









































