અમરેલી જિલ્લાના નાગરિકોને શુધ્ધ, સાત્વિક અને સંપૂર્ણ ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો એક જ સ્થળેથી મળી રહે તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળી રહે તે હેતુથી અમરેલી શહેરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, નગરપાલિકા અમરેલી અને છમ્ન્ન્ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સંયુક્ત ઉપક્રમે શરૂ થનારા આ કેન્દ્રનું લોકાર્પણ ૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યે નવા બસ સ્ટેન્ડ ખાતે નાગનાથ મહાદેવ મંદિરની બાજુમાં યોજાશે. રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદા અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ કરિયાના હસ્તે કેન્દ્રનું ઉધ્ધાટન કરવામાં આવશે. આ વેચાણ કેન્દ્રમાં અમરેલી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક પધ્ધતિથી ઉત્પાદિત અનાજ, કઠોળ, શાકભાજી, મસાલા, તેલ, ગોળ સહિતની વિવિધ ઝેરમુક્ત કૃષિ પેદાશોનું સીધું વેચાણ કરવામાં આવશે. વેચાણ કેન્દ્ર દરરોજ સવારે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી તેમજ સાંજે ૪ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી કાર્યરત રહેશે. આયોજકો દ્વારા વધુમાં વધુ નાગરિકોને આ વેચાણ કેન્દ્રનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.









































