કોડીનારમાં શહીદે કરબલા હઝરત ઇમામ હુસેનની યાદમાં મોહરમ પર્વની ભારે શાન-ઓ-શોકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાં ‘છોટેભાઈ’ નામે મશહૂર ૩૨ ફૂટ લાંબા અને ૩ ટન વજન ધરાવતા કલાત્મક તાજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાદરી મસ્જીદ ચોક અને બુખારી મોહલ્લામાંથી નીકળેલા ‘બડેભાઈ’ અને ‘છોટેભાઈ’તાજીયાના ઝુલુસમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. શિઆ ઇસના અસરી સમાજ દ્વારા ગમગીન માતમ સાથે ‘યા હુસેન’ના નારા લગાવવામાં આવ્યા હતા. હિન્દુ-મુસ્લિમ સમાજે સાથે મળીને સ્વાગત અને સબીલ વિતરણ કરતા અહીં કોમી એકતાનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. અંતે આ તાજીયા મૂળદ્વારકાના દરિયામાં વિસર્જિત થયા હતા. ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાંઝા સહિતના અગ્રણીઓએ મુસ્લિમ વિસ્તારોની મુલાકાત લીધી હતી. કાયદો-વ્યવસ્થા જાળવવા બદલ પોલીસ તંત્ર અને સફાઈ કામગીરી માટે નગરપાલિકાનો મુસ્લિમ સમાજના પ્રમુખ ભીખુમિયાં બાપુએ આભાર વ્યક્ત કર્યો હતો.









































