ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદરાણ ગામ નજીક આજે ૨૮ જૂનની સાંજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હિરણવેલ ગામથી ઉના તરફ બાઈક પર જઈ રહેલા ભાઈ-બહેનને સામેથી આવી રહેલી એક રિક્ષાએ જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં બંને ભાઈ-બહેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકચાલક હરેશભાઈ ઉકાભાઈ બારૈયાનો એક હાથ ખભાના ભાગેથી કપાઈને રોડ પર પડી ગયો હતો અને ફેફસા દેખાઈ જાય તેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત તેમના પગ અને સાથળના ભાગે પણ ગંભીર ફ્રેક્ચર થયું છે. બહેનની નજર સામે જ ભાઈનો હાથ કપાઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતમાં બહેનને પણ હાડકાં તૂટવા સહિતની ગંભીર ઈજાઓ થતાં બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.










































