જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક ૨૧ જૂને એક સિંહના શંકાસ્પદ મોતની ઘટના સામે આવી હતી. ઘટનાના દિવસે સિંહે અચાનક અસામાન્ય વર્તન શરૂ કર્યું હતું અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પાછળ દોડી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.માહિતી મળતા જ વનવિભાગની ટીમ અને પશુચિકિત્સકો સ્થળ પર પહોંચ્યા હતા. જોકે સિંહે વનકર્મીઓ તરફ પણ હુમલો કરવાનો પ્રયાસ કરતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. વનવિભાગ સિંહનું રેસ્ક્યૂ કરે તે પહેલાં જ તેને બે-ત્રણ વખત જોરદાર આંચકી આવી હતી. ત્યારબાદ થોડા જ સમયમાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સિંહના વર્તનને ધ્યાનમાં રાખીને તેના સેમ્પલ તપાસ માટે સાસણ મોકલવામાં આવ્યા હતા. વનવિભાગની તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સિંહનું મોત હડકવાથી થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ વનવિભાગ અને સ્થાનિક લોકોમાં ચિંતા વધારી છે.









































