ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ, અમરેલી તથા ફ્રેન્ડ્સ ઓફ વિમેન વર્લ્ડ બેંકિંગ (FWWB)ના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લાના ખેડૂતો માટે એક દિવસીય અભ્યાસ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. હડાળા, ડેરી પીપરીયા, સનાળા, માયાપાદર, ચિત્તલ, લુણીધાર,નાના આંકડિયા અને ખરી ખીજડિયા સહિતનાં ગામોના ૨૪ મહિલા અને ૧૧ પુરુષ મળી કુલ ૩૫ ખેડૂતોએ ભાગ લીધો હતો. કુલપતિ ડા. સી. કે. ટિમ્બડિયાએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વસમજાવી સ્થાનિક સંસાધનોના મહત્તમ ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંશોધન નિયામક ડા. જી. ડી. વડોદરિયાના માર્ગદર્શન હેઠળ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડેલોની મુલાકાત લીધી હતી, તેમજ FPO અને FPC વિષય પર વ્યાખ્યાન પણ યોજાયું હતું. આ મુલાકાતનો હેતુ ખેડૂતોમાં વૈજ્ઞાનિક સમજ વિકસાવવાનો તથા તેમની ક્ષમતા વૃદ્ધિ કરવાનો હતો.






































