રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. સિંહના ઘાતકી હુમલામાં એક પરપ્રાંતીય યુવકનું મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતા વધારી છે, જ્યારે વન વિભાગે પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.મળતી માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ છે. તે મૂળ ઉત્તરાખંડના પિથૌરાગઢનો રહેવાસી હતો અને કોવાયા નજીક આવેલી એક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. તે હોટલ નજીક જ રહેતો હતો. મોડી રાત્રે પોતાના વતન જવા માટે નીકળેલા પ્રકાશ ચંદ્ર પર ગામની બહાર અંધારામાં બેઠેલા સિંહે અચાનક હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે સિંહ તેને ઢસડીને નજીકની ઝાડીઓમાં લઈ ગયો અને ત્યાં તેનું શરીર ગંભીર રીતે ફાડી નાખ્યું હતું. સવારે સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં યુવકના શરીરના માત્ર કેટલાક અવશેષો જ મળી આવ્યા હતા. આ દૃશ્ય જોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રાજુલા રેન્જનો વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર કોવાયા અને આસપાસના વિસ્તારમાં ભારે ભયનું વાતાવરણ સર્જ્યું છે. સ્થાનિક લોકો દ્વારા વન વિભાગ પાસે સુરક્ષાના વધુ અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે. બીજી તરફ, વન વિભાગે લોકોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અપીલ કરી છે.
કોવાયાના સરપંચે રોષ વ્યકત કર્યો
કોવાયા ગામ નજીક બનેલી દુઃખદ ઘટનાને લઈને ગામના સરપંચ ઝીણાભાઈ લાખણોત્રાએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે મૃતક યુવક પરપ્રાંતીય હતો અને સ્થાનિક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. સાંજના સમયે વન્ય પ્રાણીઓ તેને ખેંચીને લઈ ગયા હતા, જેના કારણે તેનું કરુણ મોત થયું હતું. સરપંચે જણાવ્યું કે અગાઉ ભાકોદર વિસ્તારમાં પણ આવી ઘટના બની ચૂકી છે. તેમણે રાજ્ય સરકાર અને વન મંત્રીને અપીલ કરી છે કે સ્થાનિક સ્તરે વધુ ટ્રેકર્સની ભરતી કરવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે. સાથે જ પીડિત પરિવારને તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ પણ કરી છે.
બે સિંહ પાંજરે પુરાયા, અન્યની શોધખોળ ચાલુ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. ડીસીએફ ચિરાગ અમીનના માર્ગદર્શન હેઠળ પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના એસીસીએફ વિરલસિંહ ચાવડા, આરએફઓ અને અન્ય અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં બે સિંહોને પાંજરે પુરવામાં આવ્યા છે, જ્યારે અન્ય સિંહોને પકડવા માટેની કામગીરી ચાલુ છે.વન વિભાગ દ્વારા પકડાયેલા સિંહોની તબીબી તપાસ કરવામાં આવશે. જે સિંહે હુમલો કર્યો હોવાની શક્યતા હશે તેના નમૂનાઓ એકત્ર કરીને વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવશે. તપાસના આધારે જ હુમલો કરનાર સિંહની ચોક્કસ ઓળખ થઈ શકશે.









































