જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ટીમે “ઓપરેશન ડેલ્ટા હંટ” અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી મોડાસા શહેરમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરનાર એક બાંગ્લાદેશી મહિલાની અટકાયત કરી છે. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ વડા તેમજ સીઆઈડી ક્રાઈમ દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ પી.બી. ચૌધરી તથા પીએસઆઈ એ.એચ. રાઠોડની ટીમ દ્વારા જિલ્લામાં પરપ્રાંતીયો અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પોલીસ તપાસ દરમિયાન એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડાસા શહેરના કોલેજ રોડ પર આવેલી ગુલબર્ગ હોટલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાંથી એક શંકાસ્પદ મહિલાને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાનું નામ નુપુર નૂર મોહમ્મદ હોવાનું જણાવ્યું હતું. તેણીએ હાલ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતી હોવાનું અને મૂળ બાંગ્લાદેશના બાગેરહાટ જિલ્લાના બોગી ગામની રહેવાસી હોવાનું સ્વીકાર્યું હતું.
જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “યુવતીની ઓળખ નુપુર (પુત્રી નૂર મહોમ્મદ અહવાલદાર) તરીકે થઈ છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતી આ યુવતી છેલ્લા કેટલાક દિવસોથી મોડાસામાં હતી. તપાસ દરમિયાન તે ભારતીય નાગરિકતાના કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શકી ન હતી. પ્રાથમિક તપાસમાં યુવતી મૂળ બાંગ્લાદેશની હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ વિવિધ એજન્સીઓ સાથે સંયુક્ત પૂછપરછ તેમજ ડિપોર્ટેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.”
પોલીસ દ્વારા ભારતીય નાગરિક હોવાના આધારરૂપ દસ્તાવેજા રજૂ કરવા જણાવવામાં આવતા મહિલાએ કોઈપણ પ્રકારના માન્ય દસ્તાવેજા રજૂ કરી શકી નહોતી. ત્યારબાદ કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં તેણી પાસે પાસપોર્ટ, વિઝા અથવા ભારત દેશમાં કાયદેસર પ્રવેશ માટે જરૂરી કોઈ દસ્તાવેજ ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન મહિલાએ બિનઅધિકૃત રીતે બાંગ્લાદેશથી ભારત દેશમાં પ્રવેશ કર્યો હોવાની કબૂલાત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે તેની વિરુદ્ધ વિદેશી નાગરિકો સંબંધિત કાયદાની જાગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વની માહિતી સામે આવી છે કે મહિલા છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં આવેલા એક સ્પામાં કામ કરતી હતી. જાકે છેલ્લા અંદાજે બે અઠવાડિયાથી તે મોડાસા ખાતે રોકાઈ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તે મોડાસામાં કોના સંપર્કમાં હતી, અહીં આવવાનો તેનો હેતુ શું હતો અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી એસઓજી દ્વારા ગુપ્ત તપાસ શરૂ કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ મહિલાના ભારત પ્રવેશના માર્ગ, અહીંના સંપર્કો તથા સંભવિત નેટવર્ક અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.









































