જીવન એક અમૂલ્ય ભેટ છે. પરંતુ ઘણી વખત માણસ પોતાની પાસે જે નથી તેના માટે ગમ કરતો રહે છે અને જે છે તેનો આનંદ માણવાનું ભૂલી જાય છે. તેથી જ કોઈ વિચારકે ખૂબ સુંદર વાત કહી છે – ‘‘ગમ તું ના કર, ગમતું કર. આ જીવન આજીવન નથી.’’
આ નાનકડી પંક્તિમાં આખા જીવનનું તત્વજ્ઞાન સમાયેલું છે. જીવન ટૂંકું છે, ક્ષણભંગુર છે. અહીં કોઈ કાયમ રહેવાનું નથી. તેથી દુઃખ, નિરાશા અને અફસોસમાં સમય વેડફવા કરતાં જે ગમે છે, જે સારું છે અને જેનાથી જીવનમાં આનંદ આવે છે તે કાર્ય કરવું જોઈએ.
ગમ કરવાથી શું મળે?
ઘણા લોકો ભૂતકાળની ઘટનાઓને લઈને સતત દુઃખી રહે છે. કોઈએ અપમાન કર્યું હોય, વ્યવસાયમાં નુકસાન થયું હોય કે કોઈ પ્રિય વ્યક્તિ દૂર થઈ ગઈ હોય, તો તેઓ વર્ષો સુધી એ વાતને લઈને ગમ કરતા રહે છે.અત્યારની મોર્ડન ફેસિલિટી જોઈને ઘણા પતિ પત્ની વર્ષો પહેલાના પોતાના શરુવાતના લગ્ન જીવન દરમ્યાન ટાંચા સાધનો મર્યાદિત ફેસિલિટી અને રિતરીવાજની મર્યાદાઓના કારણે જે અગવડતાઓ ભોગવવી પડી હોય તેને અફસોસ કરીને એક બીજા પ્રત્યે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરીને વર્તમાન પળો ને તંગ બનાવતા હોય છે.જેના કારણે એકબીજા પ્રત્યેનો લગાવ ઓછો થતો જાય છે.આજના સમયની જીવન શૈલી અને ત્રીસ વર્ષ પહેલાના સમયની જીવનશૈલીમાં ખૂબ મોટો ફેરફાર થયેલ હોય છે એ સમયની ગતિને સમજીને સ્વીકારીને ભૂતકાળને આજના સમયના ત્રાજવે તોળવાનો પ્રયાસ કરનાર દંપતી ગમમાં દુઃખી થાય છે. જે ઘટનાઓ સમયના વહેણમાં તણાઈને ભૂતકાળ બની ગઈ છે તે પૈકીની સુખદ યાદો સિવાયની દુઃખદ યાદો વર્તમાન પળને વિવાદિત બનાવી શકે છે.આપણે વિચારીએ તો ગમ કરવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી ગમ માત્ર મનની શાંતિ છીનવી લે છે. તે શરીર અને મન બંનેને થકવી નાખે છે. ગમમાં જીવતો માણસ વર્તમાનની ખુશીઓ પણ ગુમાવી દે છે.
ઉદાહરણઃ વવાજોડામાં ગામના મોટા ભાગના ખેડૂતના ખેતરમાં અચાનક ખૂબ મોટા પ્રમાણમાં પાણી ફરી વળ્યાં ,જમીનો ધોવાઈ ગઈ અને પાકને મોટું નુકસાન થયું. ગામના ઘણા ખેડૂતો મહિના સુધી દુઃખી રહ્યા. પરંતુ બધા ખેડૂતો એ કહ્યું, ‘‘જે થયું તે હવે બદલાઈ શકતું નથી. હવે આગળ શું કરવું તે વિચારીએ.’’ તેમણે નવી ખેતી શરૂ કરી અને થોડા સમયમાં ફરી ઉભા થઈ ગયા. જ્યારે એક ખેડૂત હજુ પણ ગમમાં ડૂબેલ હતો,સતત હતાશ રહેતો એટલે ખેતી નબળી પડતી ગઈ,હિંમત હારી ગયો બીજા વર્ષે પણ પાક લાઇ શક્યો નહીં અને કાયમ નબળો પડતો ગયો,શરીર અને મનથી ભાંગી ગયો અને અંતે અંતિમ પગલું ભરીને જીવન ટૂંકાવી નાખ્યું.આથી સમજાય છે કે ગમ કરવાથી સમય જાય છે, જ્યારે કાર્ય કરવાથી પરિણામ મળે છે.
ગમતું કરવાનું મહત્વઃ- જીવનમાં દરેક વ્યક્તિને કંઈક ને કંઈક ગમતું હોય છે. કોઈને વાંચવું ગમે, કોઈને લખવું ગમે, કોઈને સેવા કરવી ગમે, કોઈને સંગીત ગમે. કોઈને હરવું ફરવું ગમે.જે કાર્યમાં આપણું મન લાગે છે તે કાર્ય કરવાથી જીવનમાં ઉત્સાહ અને ઊર્જા આવે છે. સૌથી મોટો લાભ એ છે ગમતું કાર્ય કરવાથી નિજાનંદ મળે છે.નિરાંતે ઊંઘ આવી જાય છે.ભજન અને ડાયરના શોખીન લોકોને આખી રાતનો ઉજાગરો નડતો નથી. એ જ લોકોને ન ગમતા કામ માટે રાતનાં બાર વાગે ત્યાં કંટાળો આવી જાય છે.
ઉદાહરણઃ- એક નિવૃત્ત શિક્ષક નિવૃત્તિ પછી ખૂબ એકલતા અનુભવતા હતા. તેઓ સતત વિચારતા કે હવે જીવનમાં શું બાકી રહ્યું? પછી તેમણે બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવાનું શરૂ કર્યું.સમાજ સેવા માં સમય આપવા લાગ્યા. આ કાર્ય તેમને ગમતું હતું. થોડા જ સમયમાં તેમનું જીવન ફરી આનંદ અને સંતોષથી ભરાઈ ગયું.ગમતું કાર્ય માત્ર આનંદ જ નથી આપતું, પરંતુ જીવનને અર્થ પણ આપે છે.
જીવન કાયમી નથી
‘‘આ જીવન આજીવન નથી’’ – આ વાક્ય આપણને જીવનની વાસ્તવિકતા યાદ અપાવે છે. આપણે દુનિયામાં મહેમાન છીએ. અહીંનો દરેક દિવસ ઈશ્વરની ભેટ છે. તેથી દરેક ક્ષણનો સદુપયોગ કરવો જોઈએ.
ઉદાહરણઃ- એક ધનિક વેપારી સતત ધન એકત્રિત કરવામાં વ્યસ્ત રહેતા. પરિવારને સમય આપતા નહોતા. એક દિવસ અચાનક ગંભીર બીમારી આવી. ત્યારે તેમને સમજાયું કે સંપત્તિ કરતાં સંબંધો વધુ કિંમતી છે. પછી તેમણે પરિવાર સાથે સમય પસાર કરવાનુંશરૂ કર્યું અને જીવનનો સાચો આનંદ અનુભવ્યો.
વર્તમાનમાં જીવવાની કળાઃ- ઘણા લોકો ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યની ચિંતામાં વર્તમાન ગુમાવી દે છે. પરંતુ સુખી વ્યક્તિ એ છે જે આજની ક્ષણને જીવી જાણે છે. ગઈકાલની ભૂલોને પાઠ બનાવો. આવતીકાલના સપનાઓ માટે આયોજન કરો.પરંતુ જીવન આજમાં જ જીવો. સંબંધોમાં પણ આ સૂત્ર અપનાવો. ઘણીવાર લોકો નાની-નાની વાતોમાં મનદુઃખ રાખે છે. વર્ષો સુધી સંબંધોમાં અંતર જાળવી રાખે છે. જો જીવન ખરેખર ટૂંકું છે તો પછી મનદુઃખ રાખવાનો અર્થ શું? માફ કરી દેવું, પ્રેમથી મળવું અને હસતાં રહેવું વધુ સારું નથી?
જે વ્યક્તિ મનનો ભાર ઉતારી દે છે તે જ સાચા અર્થમાં હળવાશથી જીવી શકે છે. જીવન આપણને વારંવાર એક જ સંદેશ આપે છે:જે બદલાઈ ન શકે તેનો ગમ ન કરો અને જે કરી શકાય તે ગમતું કાર્ય શરૂ કરો. દુઃખને દિલમાં રાખીને જીવન પસાર કરવું એ અંધકારમાં દીવો બુઝાવી દેવા જેવું છે. જ્યારે ગમતું કાર્ય કરવું એ જીવનમાં પ્રકાશ ફેલાવવા જેવું છે.એટલેજ કહું છું:
‘‘ગમ તું ના કર, ગમતું કર; સમયને સાર્થક બનાવ. આ જીવન આજીવન નથી,
હસતાં-હસતાં જીવવાનું શીખી જા.’’
માનવ જીવન માટીના દિપક જેવું છે,તેલ ખતમ તો ખેલ ખતમ
ગમના વાદળોને દૂર હટાવી દો, આશાના દીપકને પ્રગટાવી દો; જીવન તો ચાર દિવસની સફર છે,
હસીને જીવો ને ખુશીઓ લૂંટાવી દો.





































