નાગરિકોની સુરક્ષા અને ગુમ થયેલા વ્યકતીઓને તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવાનાં ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસે એક મહિના માટે રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ હતું. આ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસે ૧,૪૭૦ ગુમ થયેલા વ્યકતીઓને સફળતાપૂર્વક શોધી કાઢ્યાં હતાં.૭ મેના રોજ સમગ્ર રાજ્યમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, આ અભિયાન હેઠળ વર્ષો જુના કેસો ફરી ખોલવામાં આવ્યાં હતા. પોલીસના રેકોર્ડ અનુસાર વર્ષ ૨૦૦૭થી અત્યાર સુધી ગુજરાતમાં કુલ ૨૪,૭૬૭ લોકો ગુમ થયેલા હોવાનું નોંધાયું છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ મહિલા સુરક્ષા, બાળકો અને સામાન્ય વર્ગનાં લોકોના રક્ષણ, નશીલા પદાર્થોના નેટવર્ક સામે કાર્યવાહી, ગેરકાયદે દેશમાં ઘુસેલા બાંગ્લાદેશીઓને શોધવાનું અભિયાન અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર કેન્દ્રિત નાગરિક-કેન્દ્રિત પોલીસિંગ અભિગમને આગળ ધપાવી રહી છે. ‘ઓપરેશન મિલાપ’ આ પ્રયાસોનો મહત્વપૂર્ણ ભાગ રહ્યું છે.
ગુજરાત પોલીસ વડા જી. એસ. મલિકે જણાવ્યું હતું “ગુમ થયેલા વ્યકતીઓને શોધવા માટેનું વિશેષ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં અમારા પ્રયાસો અહીં અટકવાના નથી. પોલીસ અધિકારીઓને નિયમિત પોલીસ કામગીરીની સાથે ગુમ થયેલા વ્યકતીઓના કેસોમાં સતત કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે,
ગુજરાત સીઆઇડી ક્રાઇમ (મહિલા સેલ)નાં અધિક પોલીસ મહાનિર્દેશક મહાનિદેશક અજય ચૌધરીએ જણાવ્યું કે “આ સમગ્ર અભિયાન ટેકનિકલ અને ખાગની બાતમીનાં આધારે ચલાવવામાં આવ્યું હતું. તેમાં જૂના કેસ રેકોર્ડની વિગતવાર સમીક્ષા તથા ફિલ્ડ પર નવી ચકાસણીનો સમાવેશ થાય છે. પોલીસ ટીમોએ ડિજિટલ રેકોર્ડ, સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ, જાહેર પરિવહન કેન્દ્રો અને આશ્રય ગૃહોની તપાસ કરી હતી. સાથે જ ફરિયાદીઓ અને સાક્ષીઓનો ફરી સંપર્ક કરી નવા સૂત્રો મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો,
“ઓપરેશન મિલાપ દરમિયાન ગુજરાતમાં ગુમ થયેલા વ્યકતીઓના કેસો પાછળના મહત્વપૂર્ણ તારણો જાણવા મળ્યા છે, ગુમ થવામાં સૌથી મોટો વર્ગ કિશોરીઓનો છે તેમ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. આ વિશેષ અભિયાન દરમિયાન પોલીસે મોટી સંખ્યામાં ગુમ થયેલા બાળકો અને મહિલાઓને શોધી કાઢ્યા હતા. તેમાં વર્ષોથી પેન્ડીંગ રહેલા અનેક કેસો તેમજ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી મળેલી સફળતાઓનો પણ સમાવેશ થાય છે,” એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું.
અભિયાન દરમિયાન શોધી કાઢવામાં આવેલા કુલ ૧,૪૭૦ વ્યકતીઓમાં ૮૫૨ મહિલાઓ, ૩૪૨ પુરુષો, ૪૨ સગીર છોકરાઓ અને ૨૩૪ સગીર છોકરીઓનો સમાવેશ થાય છે. રાજ્યભરની તમામ પોલીસોમાં સુરત શહેર પોલીસે સૌથી વધુ ૩૪૧ ગુમ થયેલા વ્યકતીઓને શોધી કાઢ્યા હતા.
“શોધી કાઢવામાં આવેલા કેસોના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે ખાસ કરીને ૧૪થી ૧૭ વર્ષની વયની કિશોરીઓમાં પ્રેમ સંબંધો અને ઘરેથી ભાગી જવાની ઘટનાઓ ગુમ થવાના મુખ્ય કારણો રહ્યા છે. માતા-પિતાનો ઠપકો, અભ્યાસમાં નિષ્ફળતા અને ગૃહકંકાસ જેવા પારિવારિક કારણો પણ મહત્વપૂર્ણ પરિબળો તરીકે જાણવા મળ્યા છે.રોજગારી માટે સ્થળાંતર કરતા મજૂર પરિવારોનાં સભ્યોનાં ગુમ થવાનાં કિસ્સા પણ જાવા મળ્યા છે.” સિનિયર પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
આ અભિયાનના ભાગરૂપે પોલીસે વર્ષ ૨૦૦૭થી નોંધાયેલા લાંબા સમયથી પેન્ડીંગ રહેલા કેસોને ફરી ખોલીને તેમની સમીક્ષા કરી હતી, જેના પરિણામે વર્ષોથી કોઈ માહિતી ન મળેલા અનેક ગુમ થયેલા વ્યકતીઓને સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા.
ગુજરાત પોલીસે ‘ઓપરેશન મિલાપ’ની સફળતાનું શ્રેય સઘન તપાસ, ગુપ્તચર માહિતી એકત્રિત કરવી, મોબાઇલ ફોન વિશ્લેષણ, વિવિધ રાજ્યો વચ્ચેના સંકલન અને પરિવાર પરામર્શ જેવી કામગીરીને આપ્યું છે. આ પહેલ ગુજરાત પોલીસના સંવેદનશીલ અને જનકેન્દ્રિત પોલીસિંગ અભિગમને વધુ મજબૂત બનાવે છે અને ગુમ થયેલા વ્યકતીઓના દરેક કેસના નિરાકરણ સુધી સતત ધ્યાન કેન્દ્રિત રાખવાની તેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.









































