અમરેલી શહેરમાં એક પ્રૌઢને ગાળો બોલીને ધમકી આપવામાં આવી હતી. આ અંગે મનસુખભાઈ માધાભાઈ ડોબરીયા (ઉ.વ. ૬૫)એ કેતનભાઈ ગજેરા, અજયભાઈ ગજેરા તથા એક અજાણ્યા ઇસમ મળી કુલ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેઓ જ્યારે તેમના ભત્રીજા સાથે મોટરસાયકલ પર બેસીને વાતો કરતા હતા, તે દરમિયાન સામેથી કેતનભાઈ ગજેરા આવીને કહેવા લાગેલ કે, “તમે શું મારી વાતો કરો છો?” તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ તેણે બીજા બે આરોપીઓને સાદ પાડીને બોલાવ્યા હતા. અજાણ્યા ઈસમે તેમના ભત્રીજાને ખભાના ભાગે લાકડી વડે બે-ત્રણ ઘા મારી મૂઢ માર માર્યો હતો, તેમજ અજયભાઈ ગજેરાએ છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે તેમના ભત્રીજાને પેટની ડાબી બાજુએ ઘા મારી, ઓપરેશન કરવું પડે તેવી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ સાથે જ ફરિયાદીને પણ પેટના જમણા ભાગે છરી વડે ઉઝરડો કર્યો હતો. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ. બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.