અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા તાલુકાના મોટા ઉજળા અને બરવાળા બાવળ ગામે વિવિધ પ્રગતિશીલ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના ઊર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના વરદહસ્તે સ્માર્ટ વિલેજ મોટા ઉજળા ગામે રૂપિયા ૨૪ લાખના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક નવા આંગણવાડી ભવનનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ નવીન આંગણવાડીના બાંધકામથી ગામના નાના બાળકોને વધુ સારી શૈક્ષણિક અને પોષણલક્ષી સુવિધાઓ ઘરઆંગણે જ ઉપલબ્ધ બનશે તેમજ માતા અને બાળ કલ્યાણની તમામ યોજનાકીય સેવાઓ ગ્રામજનો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડી શકાશે. આ ઉપરાંત બરવાળા બાવળ ગામે સ્થાનિક લોકોની પીવાના પાણીની સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા તેમજ સુવિધાને મજબૂત બનાવવા માટે કુલ ત્રણ નવા બોરવેલ તથા આંતરિક પરિવહન માટે બ્લોક રોડ સહિતના વિવિધ જનહિતના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. આ તમામ કામગીરી સમયસર પૂર્ણ થયા બાદ ગ્રામજનોને પીવાના શુદ્ધ પાણીની સુવિધામાં મોટી રાહત મળશે તેમજ ગામની આંતરિક માર્ગ વ્યવસ્થા વધુ સુદ્રઢ અને સુગમ બનશે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ સ્તરે હાથ ધરવામાં આવતા આવા સુવિધાસભર કાર્યો છેવાડાના વિસ્તારોને વધુ આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ પ્રસંગે વડિયા-કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનીધી યોગેશભાઈ પાનસુરીયા, તાલુકા પંચાયતના સભ્ય મનોજભાઈ હપાણી, અશોકભાઈ વાજા, રમણિકભાઈ પટોળીયા, સ્થાનિક અગ્રણી પી.વી. વસાણી, મનસુખભાઈ બરવાળીયા, ભાયાવદરના સરપંચ સુરેશભાઈ કાછડીયા, મોટા ઉજળા ગામના સરપંચ વિપુલભાઈ ખીમાણી સહિત ગ્રામ પંચાયતના સભ્યો, ગામના પ્રતિષ્ઠિત અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.