કલોલ તાલુકાના ખાત્રજ વિસ્તારમાં આવેલી એક કંપનીની રહેણાંક ઓરડીમાં મોડી રાત્રે બનેલી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. કંપનીમાં સાથે કામ કરતા અને એક જ ઓરડીમાં રહેતા ત્રણ મિત્રોમાં થયેલી બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે બે યુવકોએ મળીને પોતાના જ સાથી મિત્રની લોખંડની પાઇપ વડે હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સાંતેજ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને આરોપીઓને ગણતરીની મિનિટોમાં ઝડપી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક અને બંને આરોપીઓ મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય છેલ્લા કેટલાક સમયથી ખાત્રજ સ્થિત કંપનીમાં નોકરી કરતા હતા અને કંપની દ્વારા આપવામાં આવેલી ઓરડીમાં સાથે રહેતા હતા. શનિવારે રાત્રે કોઈ બાબતે ત્રણેય વચ્ચે તકરાર શરૂ થઈ હતી. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી તરીકે શરૂ થયેલા વિવાદ બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતુ.
પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઝઘડો વધતા બે યુવકોએ મળીને પોતાના સાથી કર્મચારી પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તે ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. ઘટનાના પગલે કંપનીના અન્ય કર્મચારીઓમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સાંતેજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સ્થળની સ્થિતિનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક પૂછપરછ અને પુરાવાના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ઘટનાસ્થળ પરથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલી લોખંડની પાઇપ કબજે લીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુના ચોક્કસ કારણ અંગે વધુ વિગતો સામે આવશે.
પ્રાથમિક તપાસમાં ત્રણેય મિત્રો વચ્ચે થયેલી માથાકૂટ હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે, જાકે ઝઘડો કઈ બાબતે થયો હતો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. સાંતેજ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.









































