ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મિશ્ર સ્થીતિ જાવા મળી શકે છે. એક તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગરમી અને ઉકળાટનો પ્રકોપ પણ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્‌યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી બે અલગ-અલગ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
હવામાન વિભાગે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.
જાકે વરસાદની શક્યતા વચ્ચે ગરમીમાં ખાસ રાહત મળે તેવી સ્થીતિ દેખાતી નથી. રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સીયસથી વધુ નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં ૪૧.૫ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં ૪૧.૩ ડિગ્રી સેલ્સીયસ સુધી પારો પહોંચ્યો હતો. સુરતમાં ૪૦.૧ ડિગ્રી, રાજકોટમાં ૪૧.૩ ડિગ્રી અને અમરેલીમાં ૪૦.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે જ રીતે ભાવનગરમાં ૪૦.૫ ડિગ્રી, કંડલામાં ૪૦.૨ ડિગ્રી અને વડોદરામાં ૩૯.૧ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાતા લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં વરસાદી વાતાવરણ છતાં ઉકળાટનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે, પરંતુ ભેજનું પ્રમાણ વધવાને કારણે ઉકળાટ યથાવત રહેશે. તેથી લોકોને ગરમી અને વરસાદ બંનેથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.