મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના ખારોલ ગામે લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની ટોળકીએ ખારોલના ખેડૂતના પુત્ર સાથે બનાવટી લગ્ન કરી ખેડૂત પાસેથી ૫.૨૭ લાખ પડાવ્યા છે અને દુલ્હન ફરાર થઈ ગઈ છે, જેથી દુલ્હન અને દુલ્હનના માતા-પિતા સહિત વચેટિયા વિરુદ્ધ ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના ખારોલ ગામના ખેડૂત સુરેશભાઈ રાયજીભાઈ પટેલે પોતાના દીકરા વિરાટકુમારના લગ્ન માટે પરિચિતો મારફતે આણંદના અડાસ ગામના વચેટિયા નટુભાઈ હિંમતભાઈ ગોહીલનો સંપર્ક કર્યો હતો. નટુભાઈએ વડોદરાના કરોડીયા (ગોરવા) ખાતે રહેતા સુરેશભાઈ રમણભાઈ ગજેરા અને વિલાશબેનની દીકરી રેશ્માબેન સાથે લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું.
બાદમાં ગત તા.૧૪ એપ્રિલે ખારોલ ગામના તળાવ પાસે આવેલા શિવ મંદિરમાં વિરાટકુમાર અને રેશ્માની ફૂલહાર પહેરાવી લગ્નવિધિ થઈ હતી. આ લગ્ન પેટે સુરેશભાઈ પાસેથી અગાઉ અને લગ્નના દિવસે થઈને કુલ રૂ. ૨ લાખ રોકડા લેવામાં આવ્યા હતા, તેમજ કન્યા માટે સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, સોનાની ચૂન્ની અને ચાંદીના છડા મળી કુલ રૂ.૫,૨૭,૦૫૦ના દાગીના તૈયાર કરાવ્યા હતા. અહીં સુધી બરોબર ચાલતું હતું, જાકે બાદમાં શરૂ થયો લૂટેરી દુલ્હનનો ખેલ.
લગ્નના ચાર દિવસ બાદ રેશ્માના માતા-પિતા ડભોઈ મુકામે મામાના દીકરાના લગ્ન હોવાનું બહાનું બતાવી, રેશ્માને સોના-ચાંદીના ઘરેણાં પહેરાવીને પોતાની સાથે વડોદરા લઈ ગયા હતા. ત્યાર બાદ સુરેશભાઈ અને તેમના પુત્ર દ્વારા વારંવાર ફોન કરવામાં આવ્યા પરંતુ ફોન સ્વીચ ઓફ આવતા સુરેશભાઈ અને તેમની પત્ની જ્યારે પુત્રવધૂને તેડવા વડોદરા ગયા ત્યારે તેમનું મકાન તાળું લટકતું હતું. મકાન બંધ હોવાથી આજુબાજુના લોકોને પૂછતાં તેઓ ઘર ખાલી કરીને ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું.
બાદમાં વચેટિયા નટુભાઈએ પણ ફોન બંધ કરી દીધો હતો. જેથી સુરેશભાઈને છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા આ સમગ્ર છેતરપિંડી અંગે કોઠંબા પોલીસે વચેટિયા નટુભાઈ ગોહીલ, દુલ્હનના પિતા સુરેશભાઈ ગજેરા, દુલ્હનની માતા વિલાશબેન ગજેરા અને દુલ્હન રેશ્માબેન વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે લગ્ન બાદ દુલ્હનને તેડી ગયેલું ઠગ પરિવાર ફરાર છે અને ક્યાંરે પોલીસના હાથે લાગે છે? તે જાવું રહ્યું!