શહેરનાં પશ્ચિમ ઝોનનાં મોટેરા વિસ્તારમાં આવેલાં આસારામ આશ્રમ પાસેનાં શિવનગર નામની રહેણાંક વસ્તીમાં ૫૦ ચોરસ વારથી વધારે બાંધકામ તોડવાની કામગીરી સમયે ભારે વિખવાદ સર્જાયો હતો અને સ્થાનિક રહીશો તેમને અપાયેલી સનદ સાથે મ્યુનિ. અને પોલીસ સામે ઉતરી આવતાં ઘર્ષણની સ્થીતિ સાથે ચારેકોર કકળાટ અને રોકકળનો માહોલ સર્જાયેલો જાવા મળ્યો હતો. તેમ છતાં અંતે સમજાવટથી કામ લઇને મ્યુનિ.એસ્ટેટ ખાતાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. એક તબક્કે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર એક વ્યક્તિની અટકાયત કરી લેવાની પોલીસને ફરજ પડી હતી. ત્યારબાદ તે વ્યક્તિની પત્નિએ ફિનાઇલ પી લઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનુ બિનસત્તાવાર રીતે જાણવા મળ્યુ હતું.
વર્ષો અગાઉ રાજ્ય સરકાર દ્વારા જ મોટેરા ગામમાં આસારામ આશ્રમ પાસે ૩૭ પરિવારને રહેણાંકનાં મકાન બનાવવા માટે રાજ્ય સરકારે ૫૦ ચોરસ વાર જમીન ફાળવી હતી. સમયાંતરે આ રહીશોએ આજુબાજુ અને ઉપર એમ ગેરકાયદે બાંધકામો કરી નાખ્યા હતા. તેમાંય રાજ્ય સરકારની સનદની શરત મુજબ તો ૫૦ ચોરસ વારમાંથી ૩૭.૫૦ વાર જમીનમાં જ બાંધકામ કરવાનુ હતું, પરંતુ આ શરતનુ ઉલ્લંઘન થયું હતું. દરમિયાનમાં મોટેરા સ્ટેડિયમ આસપાસ થઇ રહેલાં વિકાસને પગલે તેમજ શિવનગર નામની જગ્યાની જાહેરહેતુ માટે જરૂર જણાતાં મ્યુનિ. એસ્ટેટ ખાતા દ્વારા ૩૭ પરિવારોને વધારાનાં ગેરકાયદે બાંધકામો તોડવાની નોટિસ આપવામાં આવી હતી. તેની સામે સ્થાનિક રહીશોએ હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિ.ની તરફેણમાં ચુકાદો આપતાં વધારાનાં ગેરકાયદે બાંધકામને દૂર કરવા મંજૂરી આપી હતી.
મ્યુનિ.નાં પશ્ચિમ ઝોન એસ્ટેટ ખાતાએ શિવનગરનાં મૂળ ૩૭ પરિવારોને હાઇકોર્ટનાં આદેશની પણ જાણ કરી ગેરકાયદે બાંધકામ શનિવારે તોડવામાં આવશે તેવી જાણકારી આપી દીધી હતી. જાકે આ અગાઉ મ્યુનિ.એ આ બાંધકામ તોડવા માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો, પણ કોઇ કારણસર બંદોબસ્ત નહિ મળતાં તોડફોડ માટે શનિવારનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. મ્યુનિ. એસ્ટેટ ખાતાની ટીમ જેસીબી, દબાણની ગાડીઓ અને મજૂરો સાથે પોલીસ બંદોબસ્ત સાથે શિવનગર પહોંચી ત્યારે સ્થાનિક રહીશો તેમનાં પરિવારજનો સાથે મ્યુનિ. અને પોલીસ સામે મેદાનમાં ઉતરી આવ્યા હતા અને તોડફોડનો ભારે વિરોધ કર્યો હતો. નાના બાળકો, યુવાનો-યુવતીઓ અને વડીલો વગેરે રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને તંત્ર સામે સખત આક્રોશ વ્યકત કર્યો હતો. એક તબક્કે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર એક વ્યક્તિની અટકાયત કરી લેવાની પોલીસને ફરજ પડી હતી. ત્યારબાદ તે વ્યક્તિની પત્નિએ ફિનાઇલ પી લઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનુ બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું હતું. સ્થાનિક મહિલાઓએ આક્રંદ સાથે તેઓ પરિવાર સાથે નાના બાળકો સાથે ક્યાં જશે તેવો રોષ ઠાલવ્યો હતો.