મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવી (તરસનીયા) ગામમાં જમીન વેચાણને લઈને એક ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે જે જમીનને ખેતીલાયક દર્શાવીને વેચાણ દસ્તાવેજા નોંધાવવામાં આવ્યા હતા, તે જમીન પર વાસ્તવમાં પ્રાથમિક શાળા, મંદિર, આંગણવાડી, તબેલો, રહેણાંક મકાનો અને વૃક્ષો આવેલા છે. આ મામલે બે એનઆરઆઇ સહિત કુલ ૧૪ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, વડાવી ગામની સીમમાં આવેલા સર્વે નંબર ૩૩૩ અને સર્વે નંબર ૧૯૭ની જૂની શરતની ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજા લગભગ એક વર્ષ અગાઉ કડી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા. શરૂઆતમાં રજૂ કરાયેલા દસ્તાવેજા અને માલિકીના પુરાવાના આધારે જમીન ખેતીલાયક હોવાનું જણાતા નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
જાકે, ત્યારબાદ તરસનીયા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા નોંધણી સામે વાંધા અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે મામલતદાર અને તલાટી કમ મંત્રી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે વિવાદિત જમીન પર પ્રાથમિક શાળા, નીલકંઠ મહાદેવ મંદિર, આંગણવાડી, તબેલો, પાકા મકાનો અને ૩૦થી વધુ વૃક્ષો આવેલા છે.
તંત્રની તપાસમાં વધુ એક ગંભીર બાબત સામે આવી હતી. જમીન વેચનાર અને ખરીદનાર પક્ષોએ મૂળ સ્થીતિ છુપાવવા માટે અન્ય જગ્યાના ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા અને ખેતીલાયક જમીન હોવાનું દર્શાવીને નોંધણી પ્રક્રિયામાં સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં નોંધણી અધિનિયમ ૧૯૦૮ની જાગવાઈઓના ભંગના પુરાવા મળતા કાયદેસરની કાર્યવાહી માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ કડીના સબ-રજિસ્ટ્રાર દ્વારા બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે હાલમાં ૧૪ આરોપીઓ સામે ગુનો નોંધીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન દસ્તાવેજાની ચકાસણી, જમીનની વાસ્તવિક સ્થીતિ અને તમામ સંકળાયેલા લોકોની ભૂમિકા અંગે વધુ વિગતો બહાર આવવાની શક્્યતા છે.આ કેસે જમીન નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને દસ્તાવેજાની ચકાસણી અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.