અમદાવાદના મોટેરા ગામમાં આજે મેગા ડિમોલિશન હાથ ધરાયુ હતું. મોટેરામાં આસારામ આશ્રમ નજીકના ગામતળ જમીન પર ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. જમાં ગામ લોકો વિરોધ પર ઉતરી આવ્યા હતા. મનપાના અધિકારીઓ સામે લોકોની નારાજગી જાવા મળી હતી. માપણી વગર ડિમોલિશન કરવા આવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. સાથે જ મકાન ખાલી કરવાની સૂચના મળતાં જ સ્થાનિકો અધિકારીઓ પર વિફર્યા હતા. આસારામ આશ્રમ પાસે ભારેલા અગ્ની જેવી સ્થિતિ સર્જાઈ હતી. મહિલાઓ પોતાનું મકાન તૂટતા રડી પડી હતી.
પોલીસ બંદોબસ્ત સાથે સવારે મોટેરા વિસ્તારમાં ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. ડીમોલેશનમાં ૫ પીઆઇ, ૧, ૧૦ પીએસઆઇ અને ૧૦૩ કોન્સ્ટેબલ બંદોબસ્તમાં પહોચ્યા હતા. આ વચ્ચે જ ડિમોલિશન કરવા આવેલા લોકો પર સ્થાનિકોનો આક્રોશ જાવા મળ્યો હતો. સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો. લોકોનો સહકાર ન મળતા વિરોધ કરનારા લોકોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. અનેક મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી છે. આખા જુના મોટેરા ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
એક મહિલાએ કહ્યું કે, હવે અમે થાકી ગયા છે. અમારી પાસે સનદ છે, ઈન્દીરાવાસ યોજનામાં અમને કાયદેસરના મકાન છે. હું મારા છ મહિનાન છોકરા સાથે ક્યાં જઉ. અમારા પરિવાર પાસે બીજે જવાની કોઈ વ્યવસ્થા નથી. મકાન ખાલી કરીને ક્યાં જઈશું. આજે મકાનના ભાડા પણ ૨૫ હજાર સુધીના વધી ગયા છે.
તો અન્ય એક મહિલાએ કહ્યું કે, કોઈ વિકાસ નથી, માત્ર અમારો વિનાશ જ છે. આજે અમારી માંગ પૂરી કરવામાં નહિ આવે, અમને યોગ્ય વળતર આપવામાં નહિ આવે તો તો અમે બધા અહી મરી જઈશું, પણ તોડવા નહિ દઈએ.
કલેક્ટર ઓફિસ અને એએમસી તંત્ર દ્વારા આજે મોટેરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. આસારામ આશ્રમ નજીકના વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સ્પોર્ટ્સ વિલેજ બનાવવાના આયોજન અંતર્ગત સરકારી જમીન પર બનેલા ગેરકાયદે બાંધકામો દૂર કરાશે. જાકે, સ્થાનિકોના આખા ઘર તોડવાનું આયોજન નથી. જેઓએ આપમેળે દબાણ દૂર કર્યા તેઓને કોઈ અસર નહિ થાય. સરકારે આપેલી સનદ મુજબ ૫૦ ચો.મીટરથી વધુનું જ બાંધકામ દૂર કરાશે. અંદાજે ૧૭ જેટલા ઘરનું વધારાનું બાંધકામ દૂર કરાશે. જેઓએ સંપૂર્ણ ઘર તોડવા મંજૂરી આપી છે તેઓએ નિયમ મુજબના વૈકલ્પીક ઘર પણ આપવામાં આવશે. આસારામ આશ્રમ કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે.







































