મોરબી-હળવદ હાઈવે પર ચરાડવા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર પાછળ કાર ઘુસી જતાં ૫ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કિયા ગાડીમાં ૭ લોકો સવાર હતા. ૨ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા છે. આ તમામ લોકો એક બીજા અકસ્માતમાં ઈજા પામેલા વ્યકતીને સારવાર માટે લઈ જતાં હતાં, ત્યારે હોસ્પિટલ લઈ જતી વખતે અકસ્માત નડ્યો હતો. અકસ્માતના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. બુલડોઝરની મદદથી કારના પતરા તોડીને કારમાં સવાર તમામને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર પ્રેમજીભાઈ દઢેયા આમ આદમી પાર્ટીના રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્ય હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, રણછોડગઢ ગામના દિલીપભાઈ ડઢૈયાનો ૨૪ વર્ષનો દીકરો પરેશ હળવદથી પરત ફરતો હતો, ત્યારે માનસર પાસે તેનું બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેથી પિતા દિલીપભાઈ તેમજ ગામના અન્ય ૫ લોકો કાર લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ તેઓ પરેશને કારમાં બેસાડીને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા.
આ દરમિયાન ચરાડવા નજીક તેમની કાર ડમ્પરની પાછળ ઘૂસી જતાં કારમાં સવાર ૭ લોકોમાંથી ૫ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે ૨ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ચરાડવા ગામ નજીક સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં ત્યા હાજર સૌ કોઈ ચોંકી ગયા હતા. કિયા ગાડી અને ડમ્પર પાછળ અથડાતા કારમાં બેઠેલા ૫ વ્યકતીઓના મોત થયા હતા. તો ત્રણ વ્યકતીના ઘટના સ્થળે જ અને ઇજાગ્રસ્ત ચાર પૈકી બેના સારવાર હેઠળ મોત થયા હતા. આમ, કુલ મૃત્યુઆંક ૫ પર પહોંચ્યો છે.
મૃતકોના નામઃ સુરેશભાઈ વિસાભાઈ સિરોયા, ઉંમર ૪૭ વર્ષ,વિરમભાઈ ભીમાભાઈ દઢેયા, ઉંમર ૨૮ વર્ષ,પરેશભાઈ દિલીપભાઈ દઢેયા, ઉંમર ૨૪ વર્ષ,પ્રેમજીભાઈ દઢેયા, ઉંમર ૫૯ વર્ષ ,ભરતભાઈ દઢેયા, ઉંમર ૩૯ વર્ષ
તો બીજી તરફ, મધ્યપ્રદેશના દિકાલ કૂવાથી ગુજરાતના ગોંડલ મજુર અર્થે જય રહેલા પરિવારને પણ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલ જાડાવાટ ગામ પાસે તુફાન કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઓવરલોડ મુસાફરો અને બાઈક ભરીને જતી તૂફાન કારની ટક્કર થઈ હતી. તુફાન કારનો ડ્રાઇવર જાખમી રીતે મુસાફરોનું વહન કરતો હોવાનું સામે આવ્યું છે. તુફાન કારમાં ૨૦થી વધુ મુસાફરો સવાર હતા. તમામ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે. તો એક વ્યકતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તુફાન કારમાં ચારથી પાંચ નાના ભૂલકાઓ પણ હતા. નાના ભૂલકાઓને પણ નાની-મોટી ઇજા પહોંચી છે. અકસ્માતમાં તુફાન કાર કચ્ચરઘાણ થઈ ગઈ હતી, અને ડ્રાઇવર તેને મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે ૧૦૮ દ્વારા તમામ મુસાફરોને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ધટનાની જાણ રંગપુર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી.








































