ચીન તાઇવાન અંગે વિશ્વભરના દેશો પર દબાણ વધારી રહ્યું છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ શી જિનપિંગે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે જા તાઇવાન મુદ્દો યોગ્ય રીતે ઉકેલવામાં નહીં આવે, તો ચીન અને અમેરિકા વચ્ચે મુકાબલો અને સંઘર્ષ પણ થઈ શકે છે. દરમિયાન, ચીને તાઇવાન મુદ્દા પર ન્યુઝીલેન્ડ સામે પણ કડક પગલાં લીધા છે. ચીને ન્યુઝીલેન્ડના ચાર સાંસદોને તાઇવાનની મુલાકાત લેવા બદલ એક વર્ષ માટે ચીનની મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકયો છે. ચીને આ સાંસદો પાસેથી માફી માંગવાની પણ માંગ કરી છે.
ન્યુઝીલેન્ડમાં ચીની દૂતાવાસે ન્યુઝીલેન્ડના અધિકારીઓને સાંસદો સામે લેવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી આપી છે. ન્યુઝીલેન્ડ સરકારે આ મુદ્દે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ચીને અગાઉ ઘણા દેશોના સાંસદો પર તાઇવાન સાથેના સંપર્કો બદલ પ્રતિબંધો લાદ્યા છે, પરંતુ આ પહેલી વાર છે જ્યારે ન્યુઝીલેન્ડના સાંસદો સાથે આવું બન્યું છે.
એપી અનુસાર,ચીન દ્વારા સંપર્ક કરવામાં આવતા, પ્રતિબંધોનો સામનો કરનારા બે સાંસદોએ માફીની માંગણીને નકારી કાઢી. ન્યુઝીલેન્ડ સરકારે કહ્યું છે કે તે ચીનના મુસાફરી પ્રતિબંધો પર ચિંતા વ્યક્ત કરશે. ન્યુઝીલેન્ડના વિદેશ પ્રધાન વિન્સ્ટન પીટર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દેશના સંસદસભ્યોએ મે મહિનામાં તાઇવાનની મુલાકાત લીધી હતી, અને ન્યુઝીલેન્ડના સંસદસભ્યો દાયકાઓથી આવું કરી રહ્યા છે.
ચીન તાઇવાનને પોતાનો એક અભિન્ન ભાગ ગણાવે છે જે અલગ થઈ ગયો છે. ચીન કહે છે કે જા જરૂરી હોય તો, તે તાઇવાન પર બળજબરીથી નિયંત્રણ મેળવી શકે છે. ચીન એ પણ કહે છે કે તાઇવાનને વિદેશી સંબંધો રાખવાનો કોઈ અધિકાર નથી. તેથી, ચીન અન્ય દેશોના સંસદસભ્યો દ્વારા તાઇવાનની મુલાકાતોને ચીનના સાર્વભૌમત્વના દાવાઓનું ઉલ્લંઘન માને છે. દરમિયાન, તાઇવાન પોતાને એક સ્વતંત્ર દેશ માને છે.








































