રાજપીપળા એરોડ્રામની ખુલ્લી જમીનમાં એક ટીટોડીએ ચાર ઈંડાં મૂક્યાં છે. ૨૧મી સદીના આ ડિજિટલ અને કમ્પ્યુટર યુગમાં પણ, વિજ્ઞાનની સેટેલાઇટ આગાહીઓની સમાંતર, આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં કુદરતી સંકેતો પર એટલો જ ભરોસો રાખવામાં આવે છે. ખેડૂતો આજે પણ ટીટોડીના ઈંડાંને આધારે જ વરસાદનું પરંપરાગત અનુમાન લગાવીને પોતાની ખેતીની આગોતરી તૈયારીઓ શરૂ કરતા હોય છે. ભવિષ્યના વરસાદની આગાહી કરવા માટે ટીટોડીના ઈંડાંનું સ્થાન, સંખ્યા અને તેની સ્થીતિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
રાજપીપળા એરોડ્રામ ખાતે ટીટોડીએ જે ચાર ઈંડાં મૂક્યાં છે, તેની ગોઠવણ ખૂબ જ કુતૂહલ જગાડે તેવી છે. અહીં ત્રણ ઈંડાં એકદમ ઊભાં છે, જ્યારે એક ઈંડું આડું પડેલું છે. આ સ્થીતિ પરથી અનુભવીઓ એવો વરતારો કાઢી રહ્યા છે કે આ વર્ષે ચોમાસાના ચાર મહિનામાંથી ત્રણ મહિના ખૂબ જ સારો અને ધમાકેદાર વરસાદ રહેશે, જ્યારે એક મહિનો વરસાદ નબળો રહેશે અથવા તો વરસાદમાં મોટો વિરામ જાવા મળી શકે છે.
સામાન્ય માન્યતા એવી છે કે ટીટોડી જેટલા ઈંડાં મૂકે, તેટલા મહિના વરસાદ પડે છે. જા ટીટોડી કોઈ ઊંચા, પથરાળ કે સુરક્ષિત ભાગે ઈંડાં મૂકે, તો ભારે વરસાદ અને પૂરની સ્થીતિ સર્જાઈ શકે છે. જા તે સાવ ખુલ્લી જમીન પર ઈંડાં મૂકે, તો વરસાદ સામાન્ય, ઓછો અથવા થોડો મોડો આવવાના સંકેત ગણાય છે.
ખેડૂતો અને વડીલોના જણાવ્યા મુજબ, ઈંડાં કઈ રીતે ગોઠવાયેલા છે તેના પરથી મહિના વાઇઝ વરસાદની સ્થીતિ જાણી શકાય છે. જા ઈંડાંનો અણીવાળો ભાગ નીચે તરફ હોય અને ઈંડાં બરાબર ઊભાં હોય, તો તે મહિનામાં ધબધબાટી બોલાવતો સારો વરસાદ થાય છે. પરંતુ, જા કોઈ ઈંડું આડું કે જમીનને સમાંતર પડ્યું હોય, તો તેનો અર્થ એવો થાય કે તે ચોક્કસ મહિના દરમિયાન વરસાદની ખેંચ વર્તાઈ શકે છે અથવા દુષ્કાળ જેવી સ્થીતિ સર્જાઈ શકે છે.
જા કે, બદલાતા સમય સાથે વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે અને આ એક જૂની લોકમાન્યતા છે, પરંતુ આજના આધુનિક સમયમાં પણ ખેડૂતોનો આ પરંપરાગત જ્ઞાન પરનો અતૂટ વિશ્વાસ ડગ્યો નથી. આશ્ચર્યની વાત એ છે કે ઘણીવાર આ કુદરતી વરતારો જાગાનુજાગ સાચો પણ સાબિત થતો આવ્યો છે, જેને કારણે આ વર્ષે પણ રાજપીપળામાં ટીટોડીના આ ચાર ઈંડાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે