બાબરા તાલુકાના નીલવડા ગામેથી એક ૨૪ વર્ષીય યુવતી ગુમ થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતી પોતાની મરજી વિરુધ્ધ સગાઈ થતી હોવાના કારણે ઘર છોડીને ચાલી ગઈ હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું હતું. શૈલેષભાઇ રવજીભાઇ સાકરીયા (ઉ.વ.૫૨) એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી દક્ષાબેન (ઉ.વ.૨૪) ગત તારીખ ૨૪/૦૫/૨૦૨૬ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી અચાનક ક્યાંક ચાલી ગઈ હતી. તેણે ઘર છોડતા પહેલા જણાવ્યું હતું કે, ‘તેને સગાઈ કરવી નથી અને તે ગમે તે મંદિરમાં જઈને બેસી જશે.’ આટલું કહીને નીકળ્યા બાદ તે મોડી સાંજ સુધી પરત ફરી નહોતી. દીકરી પરત ન આવતા પરિવારજનો દ્વારા તેની આજુબાજુના વિસ્તારમાં, સગા-સંબંધીઓમાં તેમજ સંભવિત ધાર્મિક સ્થળો પર વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી.






































