મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના બંને જૂથો વચ્ચેના સંભવિત વિલીનીકરણ અંગે ચર્ચાઓ ફરી એકવાર તેજ બની છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા અંબાદાસ દાનવે અને શિવસેના નેતા અબ્દુલ સત્તારના છત્રપતિ સંભાજીનગર નજીક સમૃદ્ધિ મહામાર્ગ પર મુલાકાત અને ગળે લગાવના ફૂટેજથી રાજકીય વર્તુળોમાં નવી અટકળો શરૂ થઈ છે. અગાઉ, બંને નેતાઓએ જાહેરમાં જણાવ્યું હતું કે શિવસેનાના બંને જૂથોએ એક થવાનું વિચારવું જાઈએ. દાનવેએ જણાવ્યું હતું કે ભાજપના વધતા પ્રભાવને કારણે પ્રાદેશિક પક્ષો નબળા પડી રહ્યા છે, અને શિવસેનાએ પોતાની તાકાત જાળવી રાખવા માટે એક થવું જાઈએ. અબ્દુલ સત્તારે એવો પણ સંકેત આપ્યો હતો કે જા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ઈચ્છે તો બંને જૂથો વચ્ચે એકતાની પ્રક્રિયામાં વધુ સમય લાગશે નહીં.
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિલીનીકરણની અટકળોને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે તેમની શિવસેના બાળાસાહેબ ઠાકરેની વિચારધારાને આગળ ધપાવી રહી છે અને તેમની પાસે જાહેર જનાદેશ છે. શિંદેએ કોઈપણ સંભવિત વિલીનીકરણ પર સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. દરમિયાન, શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે જા ૨૦૨૨ માં શિંદેનો પક્ષ લેનારા નેતાઓને તેમની “ભૂલ” સમજાઈ ગઈ હોય, તો તેમણે “માતોશ્રી” પાછા ફરવું જાઈએ અને ઉદ્ધવ ઠાકરેનું નેતૃત્વ સ્વીકારવું જાઈએ. રાઉતે દાવો કર્યો હતો કે વાસ્તવિક શિવસેના એ છે જ્યાં ઠાકરે પરિવાર છે.
આ દરમિયાન, મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ શિંદેને સ્પષ્ટતા કરવા કહ્યું છે કે શું અબ્દુલ સત્તારે બંને શિવસેનાના વિલીનીકરણ અંગે નિવેદન આપતા પહેલા તેમની પરવાનગી લીધી હતી. બાવનકુલેએ કહ્યું કે મહાયુતિ સંકલન સમિતિએ સંવેદનશીલ રાજકીય મુદ્દાઓ પર જાહેર નિવેદનો આપતા પહેલા ગઠબંધન પક્ષોના નેતાઓની પરવાનગી લેવાનું નક્કી કરી લીધું છે. જ્યારે શિવસેનાના બંને જૂથોના ટોચના નેતૃત્વ દ્વારા કોઈ ઔપચારિક વાતચીતની પુષ્ટિ કરવામાં આવી નથી, દાનવે અને સત્તાર વચ્ચેના નિવેદનો અને મુલાકાતે મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો વિશે ચર્ચાઓને ચોક્કસપણે તીવ્ર બનાવી છે.








































