કુંકાવાવ તાલુકા મથકે આવેલી વડિયા ગ્રામપંચાયતની સામાજિક ન્યાય સમિતિની બેઠક પહેલી જૂનના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં વડિયાના આંબેડકર નગરમાં રહેતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમણે અનુસૂચિત જાતિના સ્મશાન તરફ જવાનો રસ્તો, સ્ટ્રીટલાઈટ, પીવા તેમજ વપરાશનું પાણી અને પૂર સંરક્ષણ દીવાલ જેવા જરૂરી વિકાસ કાર્યો વહેલી તકે પૂર્ણ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. વડિયાના સરપંચ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેને આ તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. જોકે, બીજી તરફ વડિયાના જ એક જાગૃત નાગરિકે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અભણ હોવા સામે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ચેરમેન પદની ગરિમા જળવાતી ન હોવાની દુઃખદ લાગણી વ્યક્ત કરીને તેમના રાજીનામાની ઉગ્ર માંગણી કરતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.








































