રાજુલા ખાતે બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા માનવસેવાના હેતુથી એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાયું હતું. તેમણે રક્તદાનને મહાદાન ગણાવીને આયોજક સાગર સરવૈયા અને તેમની સમગ્ર ટીમને બિરદાવી હતી. આ કેમ્પમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકે વિશેષ સેવાઓ આપી હતી. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે સમિતિ અને દાતાઓના સહયોગથી દરેકને એક પાવર બેંક ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્વ. પ્રવીણભાઈ જોટકિયાના પરિવાર તરફથી તમામ રક્તદાતાઓને ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું.