ઉના શહેરના મોદેશ્વર રોડ પર આજે સાંજે બે યુવાનો પર જીવલેણ હુમલો થયો હતો. ૮ થી ૧૦ શખ્સોએ હુમલો કરતા બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ઉના શહેરમાં રહેતા ૨૨ વર્ષીય રવિ ઉર્ફે બુચી બાંભણીયા અને તેમના મિત્ર કેવલ વાજા આજે સાંજે મોદેશ્વર તરફ જઈ રહ્યા હતા. તે સમયે ૮ થી ૧૦ અજાણ્યા શખ્સો છરી, ધોકા અને પાઇપ જેવા હથિયારો સાથે તેમના પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ ઇજાગ્રસ્તો પર મરચાનો પાવડર પણ છાંટ્યો હોવાનું જાણવા મળ્યું છે.હુમલો એટલો ગંભીર હતો કે બંને યુવાનો ઊભા પણ થઈ શકતા ન હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. ઘટનાની જાણ થતા PSI સરવૈયા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. હાલ બંને યુવાનોની હાલત ગંભીર હોવાથી તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. ઉના પોલીસ ફરિયાદ નોંધવા માટે રાજકોટ જશે. ઉનામાં થયેલા આ હિંચકારી હૂમલાના સમગ્ર શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.










































