ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રીના “સમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે બે મહત્વપૂર્ણ યોજનાઓમાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે. કિસાન મોરચાના હિરેન હિરપરાએ આ નિર્ણયોને આવકારતા જણાવ્યું છે કે, “તાર ફેન્સિંગ યોજના” હેઠળ ખેડૂતોને મળતી સહાય પ્રતિ રનિંગ મીટર રૂ.૨૦૦થી વધારીને રૂ.૩૦૦ કરવામાં આવી છે. આ ઉપરાંત, અગાઉ જે યોજનાનો લાભ બે હેક્ટર સુધી મર્યાદિત હતો, તે હવે એક હેક્ટર જમીન ધરાવતા નાના ખેડૂતોને પણ મળશે. આ યોજના માટે સરકારે રૂ.૨૪૦ કરોડનું બજેટ મંજૂર કર્યું છે.સાથે જ “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના”નો વ્યાપ અને સહાય પણ વધારવામાં આવ્યા છે. આ નિર્ણયથી ખેડૂતો પોતાના ખેતરમાં વધુ વિશાળ ક્ષમતાવાળું ગોડાઉન બનાવી શકશે, જેથી કમોસમી વરસાદ જેવી કુદરતી આફતો સામે પાક સુરક્ષિત રહેશે અને યોગ્ય સમયે બજારમાં વેચી શકાશે. કિસાન મોરચાની રજૂઆતોને ધ્યાને રાખીને લેવાયેલા આ નિર્ણયો બદલ તેમણે મુખ્યમંત્રી અને સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.










































