અભણ અમથાલાલ વન નેશન વન ઈલેકશનના ફાયદા સમજાવી રહ્યા હતાં. ‘‘વિપક્ષ ભલે વિરોધ કરે. એમનો જન્મસિધ્ધ અધિકાર છે, કે એમણે વિરોધ જ કરવો. હાચી વાત હોય તો પણ વિરોધ જ કરવો. કોઈપણ વાતમાં હા પાડવાની જ નહીં. એકસાથે ચૂંટણી થવાથી હજારો કરોડ એટલે કે રૂપિયા સાત લાખ કરોડ બચી જશે. અને આ સિવાય પણ ઘણાં બધાં ફાયદાઓ છે.જેમકે દેશનાં જીડીપીમા ૧.૬ ટકાનો વધારો થઈ શકે છે.આવુ સંસદીય સમિતિનાં અધ્યક્ષ પી પી ચૌધરીએ કહ્યું છે.’’
બેરાલાલને શંકા થઈ. ‘‘ઈ વાત કદાચ હાચી માની લેઈએ પણ, આપણે ત્યાં હાલતાંને ચાલતાં સરકારો તૂટે છે. એમનું હવે શું થશે? હપ્તો ઓછો પડે કે ભાગમાં વધઘટ આવે તોય ટેકો પાછો ખેંચવાની આપણે ત્યાં ફેશન છે. આનું હવે શું થશે?’’
બનેવીલાલે સમજાવ્યું. ‘‘જૂઓ બેરાલાલ ! જનતા હવે જાગૃત થઈ ગઈ છે. એ આવી ટેકણ લાકડી જેવી સરકાર ચૂંટતી જ નથી. (અપવાદ સિવાય) એટલે લાકડીનો ટેકો પાછો ખેંચવાનો સમય નહીં આવે.
અને કાનનું મશીન બરોબર ચાલું રાખજો. આ વન નેશન વન ઇલેક્શનમાં આનો પણ ઉપાય છે જ.’’ અમથાલાલને વચ્ચે બોલવું પડ્‌યું.
‘‘ઊભાં રહો, ઊભાં રહો. એમાં હંધાય નિયમો તો છે જ . પણ, એક સીધો નિયમ હમજો. હવે ખજુરાહો થવાની સંભાવના જ નહીં રહે.’’
‘‘કેમ? ધારાસભ્યો ધરાઈ ગયાં છે?’’
‘‘ના..આ..! એવું નથી. એમનું પેટ ક્યારેય ભરાવાનું નથી. પણ , ધારાસભ્યો જ બદલાઈ જવાનાં છે. જો તેત્રીસ ટકા કે પચાસ ટકા મહિલા અનામત થઈ ગઈ તો સરકારો તૂટશે જ નહીં.’’
બેરાલાલે હાંભળયુ ખરું પણ હમજાયું નહીં.
‘‘કેમ? કેમ ? મહિલાઓ કાંઈ બીજાં ગ્રહમાથી આવી છે? ’’
‘‘ના, એ બીજાં ગ્રહમાથી નથી આવી. પણ, એનાં ગ્રહ જરૂર બદલાયાં છે. ચૂલો ફુંકવાવાળી સ્ત્રીઓ હવે સરકાર ચલાવવાની છે.’’
‘‘હા પણ, સરપંચ પતિ કે ધારાસભ્ય પતિ વાંહે રહીને આ કામ નહીં કરાવે એની શું ગેરંટી?’’
‘‘ગેરંટી એનો સ્વભાવ છે.
બેરાલાલની જેમ તમને’ય સમજણ નો પડીને!??
સ્વભાવ જન્મ જાત હોય છે. અને સ્ત્રીઓનો સ્વભાવ છે, સાથે રહેવાનો. હળી મળીને રહેવાનો. એ બસ કે છકડો રિક્ષામાં’ય ત્રણ ત્રણ પેઢીની ઓળખાણ કાઢી લેશે. જ્યાંરે પુરુષો ૧૦૦ કિલોમીટર સુધી બોલશે’ય નહીં.’’
‘‘તંઈ એમ વાત કરોને કે , કીડી મંકોડા જેમ.’’
‘‘કીડી મંકોડાની જેમ એટલે?’’
‘‘કીડીઓ ભેગી મળીને ખાય. અને મંકોડા એકલાં એકલાં. અને હવે જીવ જંતુનો જ જમાનો આવવાનો છે. જોયું નહીં? હમણાં ‘‘કોંકરચ જનતા પાર્ટી ‘‘નામનો નવો પક્ષ બન્યો. અને જોત જોતામાં મિડિયામાં એમનાં લાખો ફોલોઅર્સ નોંધાય ગયાં.’’
‘‘તો તો મારે કીડીઓ ભેગી કરવી છે.’’
‘‘અમથાલાલ! લોકોને એક કીડી મતલબ એક સ્ત્રી મળતી નથી. અને તમે કીડીઓની વાતો કરો છો? ’’
‘‘બેરાલાલ? તમે મશીન બદલો કાં હમજણ વધારો. કીડીઓ એટલે કીડીઓ જ. સ્ત્રીઓ નહીં.’’
‘‘મને એમ કે, જાજા ધારાસભ્ય પતિ બનવું હશે. પણ, તમારે કીડીઓ શા માટે ભેગી કરવી છે? આવાં ઉનાળામાં તો ઠેક ઠકાણે કીડીઓના ઢગલાંને ઢગલાં મળી જાહે.’’
‘‘બેરાલાલ તમને નહીં હમજાય!! હું એવી ચીલાચાલુ કીડીની વાત નથી કરતો. કિંમતી કીડીની વાત કરું છું.’’
‘‘કિંમતી ? અને એ પણ કીડી ? કાંઈક હમજણ પડે એવું બોલો. હાવ રાજકારણી ભાષામાં વાત નો કરો.
કીડી એટલે કીડી હોય. એમાં કિંમતી કીડી અલગ હોય??’’
‘‘બેરાલાલ! આ તમારો વિષય નથી. હું દાણચોરી થાય એવી કીડીની વાત કરું છું.’’
‘‘દાણચોરી તો સોનાની થાય. કીડીની દાણચોરી થાય!?? સોનું મોંઘુ છે એટલે લોકો ખરીદી કરે. કીડીને કોણ ખરીદે??’’
‘‘બેરાલાલ મારું નામ અમથાલાલ છે. પણ હું ક્યારેય સરકારની જેમ અમથી અમથી વાત કરતો નથી. કલ્પસર યોજનાની વાતો વરસોથી હાલે છે. કરોડો રૂપિયાના બીલ પણ ઉધારાય છે. પણ કલ્પસર યોજના બની? મારી વાતો આવી નો હોય ! નક્કર સાબિતી વાળી હોય.’’
‘‘તો..ઓ..! આપો સાબિતી.’’
‘‘કેન્યામાં એક વિશિષ્ટ પ્રકારની બગીચાની કીડી કહેવામાં આવે છે. એને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે સ્થળ ફેરવી શકાતું નથી. પણ ચીન તો ચીન છે. એ એનાં સગા બાપનું’ય નો માને. ચીનનો એક માથાં ફરેલો માનવી. ‘ઝાંગ કેકુન’ લગભગ બે થી ત્રણ હજાર કીડીની તસ્કરી ( દાણચોરી) કરતાં પકડાઈ ગયો. એને જલ્દી પૈસાવાળું થવું હતું. કેન્યાની કોર્ટે એમને ૫૭૧૩ પાઉંડનો દંડ કર્યો અને એક વર્ષની જેલ કરી. હવે તમે જ કહો આવી કીડીઓ આપણી પાસે હોય તો આપણે’ય પૈસાવાળા થઈ જઈએ કે નહીં!??’’
‘‘અમથાલાલ ! ચીનાને ખબર નો પડી. કોઈ રાજકીય માથાંને ભાગીદાર બનાવી દેવાય. કોઈ તમારો વાળે’ય વાંકો નો કરે..!!’’
kalubhaibhad123@gmail.com