સાવરકુંડલા શહેરની આંગણવાડી વર્કર બહેનો દ્વારા વસ્તી ગણતરીની વધારાની કામગીરીનો બહિષ્કાર કરવા માટે આઇ.સી.ડી.એસ. ICDS શાખા અને નગરપાલિકા કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.બહેનોની રજૂઆત અનુસાર, સરકારના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આઇસીડીએસ યોજના સિવાયની અન્ય કોઈ કામગીરી તેમને સોંપવી નહીં. હાલમાં તેઓ કુપોષિત બાળકો, ધાત્રી માતાઓ અને સગર્ભા સ્ત્રીઓ જેવી અતિસંવેદનશીલ સેવાઓ સાથે જોડાયેલા છે, જેમાં સાત-સાત એપ્લિકેશનમાં કામ કરવાનું હોવાથી કાર્યભાર ઘણો વધારે છે. અત્યારે તેઓ મર્યાદિત માનદ વેતનમાં કામ કરે છે અને તેમની અન્ય માંગણીઓ પણ હજી પ્રક્રિયા હેઠળ છે. આવા સમયે વધારાની કામગીરી સોંપાતા મૂળ સેવાઓ ખોરવાઈ જવાની ભીતિ છે. આથી, પોતાના કામમાં વિક્ષેપ ન પડે તે માટે બહેનોએ સી.ડી.પી.ઓ. જ્યોત્સનાબહેનને આવેદનપત્ર પાઠવીને પોતાની વેદના રજૂ કરી છે.








































