રાજુલા તાલુકાના અમુલી (મોટી ખેરાળી) ગામે રહેતા પક્ષીપ્રેમી કિરીટભાઈ ગઢવીએ પક્ષી પ્રત્યે અનોખો પ્રેમ દર્શાવ્યો છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પક્ષીઓની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે. તાજેતરમાં તેમને ગામ નજીકથી એક કાકડાસર પક્ષી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. કિરીટભાઈએ સમયસૂચકતા વાપરીને આ પક્ષીને તાત્કાલિક ત્યાંથી સુરક્ષિત રીતે ઉઠાવી લીધું હતું. ત્યારબાદ તેમણે તરત જ રાજુલા વન વિભાગના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો અને પક્ષીને યોગ્ય સારવાર મળી રહે તે માટે વન વિભાગને સુપરત કર્યું હતું. કિરીટભાઈની આ પ્રશંસનીય જીવદયાની કામગીરી અને પક્ષીઓ પ્રત્યેનો તેમનો અજોડ પ્રેમ જોઈને રાજુલા વન વિભાગના અધિકારીઓ દ્વારા તેમની આ કામગીરીને ખૂબ જ બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.