ભાવનગર જિલ્લાની ત્રણ મહત્વની નગરપાલિકાઓ માટે આગામી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની સત્તાવાર તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ જાહેરાત બાદ જિલ્લાના રાજકીય ગલિયારાઓમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
મળતી વિગત મુજબ, ભાવનગરની મહુવા, વલ્લભીપુર અને વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની છે. વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, આ ચૂંટણી આગામી ૧૯ મે ૨૦૨૬ ના રોજ યોજવામાં આવશે.
ચૂંટણીનો સમય બપોરે ૧૨ઃ૩૦ કલાકે નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા જે તે નગરપાલિકાના સત્તાવાર સભાખંડમાં હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી માટે અત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. પક્ષના મેન્ડેટ કોને મળશે અને કયા નવા ચહેરાઓને સત્તાનું સૂત્ર સોંપવામાં આવશે તેને લઈને તર્કવિતર્ક થઈ રહ્યા છે.
આગામી ૧૯ મેના રોજ યોજાનારી આ સામાન્ય સભામાં સભ્યો દ્વારા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. ભાવનગર જિલ્લાની આ ત્રણેય પાલિકાઓના વહીવટમાં હવે નવા સુકાનીઓ કઈ રીતે જવાબદારી સંભાળશે તેના પર સૌની નજર ટકેલી છે.










































