પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-ગોધરા હાઈવે પર દારુણિયા ગામ પાસે રોંગ સાઈડથી આવતી એક કારે બાઈકને જારદાર ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અકસ્માતની આ ઘટના વહેલી સવારે દારુણિયા ગામ પાસે બની હતી. કારચાલકરોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતા બાઈક સાથે કારની ભીષણ ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકના કુરચેકુરચા ઉડી ગયા હતા અને તેના પર સવાર ત્રણેય યુવાનો રોડ પર ફંગોળાયા હતા.
અકસ્માતનો ભોગ બનનાર ત્રણ યુવાનો પૈકી બે યુવાનો દારુણિયા ગામના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે બનેલી આ ઘટનાની જાણ થતા જ ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોતાના જ ગામના આશાસ્પદ યુવાનોના મોતના સમાચારથી દારુણિયા ગામમાં માતમ છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતક યુવાનોના મૃતદેહોને કબજે કરી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.








































