અમરેલી કલેકટર કચેરી ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયાની અધ્યક્ષતામાં રેલવે વિભાગના અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં રેલવેને લગતા પડતર પ્રશ્નો અને ખાસ કરીને અન્ડરપાસમાં સ્થાનિકોને પડતી હાડમારીઓનો કાયમી ઉકેલ લાવવાનો હતો. બેઠકમાં શહેરના કેરિયા રોડ, લીલીયા રોડ અને હનુમાનપરા વિસ્તારોના અન્ડરપાસમાં પાણી ભરાવા કે અવરજવરમાં પડતી મુશ્કેલીઓ અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત શેડુભાર અને ખીજડીયા-રાદડીયા અન્ડરપાસના ચાલી રહેલા વિકાસકામોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી તેમાં નડતા અવરોધો દૂર કરવા રજૂઆત કરાઈ હતી. સાંસદે જનસુરક્ષાને પ્રાધાન્ય આપતા સ્પીડ બ્રેકર બનાવવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રજાની સુખાકારી માટે રેલવેના તમામ વિકાસલક્ષી કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અનિવાર્ય છે. રેલવે વિભાગના અધિકારીઓએ આ તમામ પ્રશ્નોને પ્રાથમિકતા આપી ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.