પ્રધાનમંત્રી મોદી સોમનાથ આવનાર હોવાથી

પ્રધાનમંત્રી જ્યારે સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમરેલી એસ.ટી. ડિવિઝન દ્વારા કુલ ૧૮૦ બસો ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ બસો રવિવારે સાંજના સમયે વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મોકલી આપવામાં આવશે અને સોમવારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોડી સાંજે પરત ફરશે. સોમવારના દિવસે આટલી મોટી સંખ્યામાં બસો રૂટ પરથી પાછી ખેંચાવાને કારણે સામાન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વિગતવાર માહિતી મુજબ, જિલ્લાના વિવિધ ડેપોમાંથી બસો મોકલવામાં આવશે જેમાં અમરેલી ડેપોમાંથી ૪૫, સાવરકુંડલામાંથી ૩૫, બગસરામાંથી ૨૩, ધારીમાંથી ૨૨, રાજુલામાંથી ૧૫, ઉનામાંથી ૨૨ અને કોડીનારમાંથી ૧૮ બસોનો સમાવેશ થાય છે. જિલ્લા પરિવહન અધિકારી ખાંભલાએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મુસાફરોને ઓછી તકલીફ પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. જે રૂટ પર એકથી વધુ બસો દોડતી હોય, માત્ર તેવી જ બસોને આ કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે. આમ છતાં, એકસાથે આટલી બસો બંધ રહેવાથી ખાનગી વાહનચાલકોને આર્થિક ફાયદો થશે અને ગ્રામ્ય જનતાએ ફરજિયાતપણે ખાનગી વાહનોનો સહારો લેવો પડશે.