અમરેલી જિલ્લામાં ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી વેગવંતી બની છે. આ યોજના હેઠળ દરેક ખેડૂતને આધાર કાર્ડની જેમ એક વિશિષ્ટ ફાર્મર આઈ.ડી. આપવામાં આવશે જે ભવિષ્યમાં ખેતીવાડીલક્ષી તમામ ધિરાણ અને સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે ફરજિયાત રહેશે. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ ખેડૂતો ગ્રામ પંચાયત ખાતે રૂબરૂ જઈને અથવા ઈ-ગ્રામ અને કોમન સર્વિસ સેન્ટર પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. નોંધણી માટે ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ, તેની સાથે લિંક થયેલો મોબાઈલ નંબર તથા જમીનના ૮-અ અને ૭-૧૨ ના ઉતારા જેવા મહત્વના દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. ખેડૂતોને આ પ્રક્રિયામાં માર્ગદર્શન આપવા માટે દર મહિનાના પ્રથમ અને ત્રીજા બુધવારે બાઈસેગના માધ્યમથી ઓરિએન્ટેશન સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી પારદર્શક રીતે નોંધણી થઈ શકે.








































