મેઘરજના છિટાદરા ગામે સામાન્ય બાબતની અદાવત રાખી હોમગાર્ડ જવાને ગામના જ યુવકની બોથડ પદાર્થ વડે હત્યા કરતા ચકચાર મચી છે. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી હોમગાર્ડ જવાનને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, અરવલ્લી મેઘરજના અંતરિયાળ એવા છિટાદરા ગામનો જ એક યુવક રાકેશ ક્લાસવા પોતાની બેન મોદસથી પરીક્ષા આપી છિટાદરા આવવાની હોવાથી પોતાના મિત્ર સાથે બાઇક પર છિટાદરા બસ સ્ટેશન લેવા માટે નીકળ્યો હતો. એવામાં ગામનો જ અને ઇસરી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો પ્રકાશ તરાળ બાઇક પર નશાની હાલતમાં તેના નાના બાળકને બેસાડી નીકળ્યો હતો.
આ સમયે પ્રકાશ તેના બાળકને બાઇક પર જાણે સરકસના દાવ કરતો હોય એમ પગ પકડીને લટકાવવા જતો હતો. જેથી બાઇક પર બેનને લેવા નીકળેલ રાકેશ ક્લાસવાને બાળકની દયા આવી અને પ્રકાશને કહ્યું કે આ બાળકને આ રીતે કેમ લટકાવો છો, આ બાળક મરી જશે, આ બાળકને અમને આપો અમે ઘરે પહોંચાડી દઈએ એમ કહેતા પ્રકાશ તરાળ ઉશ્કેરાઈ ગયો અને ક્યાંય ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો.
આ તરફ રાકેશ ક્લાસવાની બેન પણ બસ આવી જતા પોતાના ભાઈની રાહ જાતી ઉભી હતી. એટલામાં રાકેશ ક્લાસવા અને તેનો મિત્ર દિવ્યરાજ ખરાડી બંને બસ સ્ટેશને પહોંચ્યા અને બાઇક પર બેનને બેસાડી રાકેશ વચ્ચે બેઠો અને દિવ્યરાજ બાઇક લઈ ઘરે જવા નીકળ્યો હતો, થોડા આગળ જતાં આ પ્રકાશ તરાળ અદાવત રાખીને અચાનક બાઇક આગળ આવી ગયો અને તેની પાસે રાખેલ બોથડ પદાર્થ વડે મારવા ગયો હતો. ત્યારે બાઇક ચલાવનાર દિવ્યરાજ ખરાડી નમી જતા બોથડ પદાર્થ રાકેશ ક્લાસવાને બોચીના ભાગે વાગ્યું અને લોહીલુહાણ કરી જતો રહ્યો હતો.
આ જીવલેણ હુમલા બાદ તરત જ દિવ્યરાજ ખરાડીએ ફોન કરી ગામના લોકોને જાણ કરતા ગામના લોકો ટોળે ટોળાં ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે ઇસરી પોલીસને જાણ કરતા ઇસરી મેઘરજ સહિત જિલ્લામાંથી એલસીબી, એસઓજી સહિતની પોલીસ ઘટનાસ્થળ પર ઉમટી પડી હતી. ત્યારે ઘાયલ રાકેશ ક્લાસવાને હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે રાકેશ ક્લાસવાને મૃત જાહેર કર્યો હતો.
હાલ આ મામલે પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ઇસરી સીએચસી ખાતે ખસેડાયો છે અને મૃતકની ઘટના સમયે સાથે રહેનાર બેન પુષ્પાની ફરિયાદ લઈને આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી, આ તરફ ઘટનાને વીસ વીસ કલાક વીતવા છતાં મૃતકની લાશ સીએચસીમાં રઝળી રહી હતી. મૃતકના પરિવારના લોકો ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા હતા. ત્યારે પોલીસ અને આ વિસ્તારના રાજકીય અગ્રણીઓની સમજાવટ બાદ મૃતદેહનો પરિવારજનોએ સ્વીકાર કર્યો અને પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ આરોપી હોમગાર્ડ જવાન પ્રકાશ તરાળની ધરપકડ કરીને વધુ પૂછપરછ ચાલુ કરી છે.








































