ગુજરાતમાં હાલ ક્યાંય વરસાદી માહોલ તો ક્યાંક ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં અમદાવાદમાં પણ સુરજ દાદા પોતાનો પ્રકોપ વરસાવી રહ્યા છે. જેના કારણે શહેરીજનો અંગ દઝાડતી ગરમીમાં સેકાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આવી જ રીતે ધોમ તડકામાં અમદાવાદીઓએ દિવસો પસાર કરવા પડે તેવી આગાહી હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને ધ્યાને લઈને એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) તંત્રએ અમદાવાદ શહેરના વિવિધ ૪૫ વિસ્તારોને યલો તથા ઓરેન્જ એલર્ટમાં મુક હોટ સ્પોટ તરીકે જાહેર કર્યા છે.

આઇએમડીએ આગામી સાત દિવસો માટે અમદાવાદ શહેરના તાપમાન અંગે જાહેર કરી છે. જે અનુસાર આગામી ત્રણ દિવસ માટે શહેરના અનેક વિસ્તારોમાં જેમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેસ્લીયસ સુધી પહોંચવાની શક્્યતા છે. જેને હવામાન વિભાગે “યલો અને ઓરેન્જ એલર્ટ” તરીકે જાહેર કર્યા છે. આ પૂર્વાનુમાન મુજબ આગામી ૩ દિવસ જે તે ચોક્કસ વિસ્તારમાં તાપમાનમાં ૨–૩ સે જેટલો ફરક પડી શકે છે.

હવામાન વિભાગની આગાહીને આધારે અમદાવાદ મહાનગરપાલિકા તંત્રએ અમદાવાદ શહેરના ૬ ઝોનમાં ૧૭ વોર્ડમાં કુલ ૪૫ હોટ સ્પોટ તરીકે જાહેર કર્યા છે. અમદાવાદના લાંભા, વટવા, ઈસનપુર, બહેરામપુરા, વસ્ત્રલાલ, રામોલ, હાથીજણ, અમરાઈવાડી, ઓઢવ, ચાંદખેડા, સરદારનગર, નરોડા, થલતેજ, બોડકદેવ, ગોતા, સરખેજ, મક્તમપુરા સહિતના વિસ્તારોમાં અનેક નાના નાના એરિયાને એએમસીએ હોટ સ્પોટ જાહેર કર્યા છે. જે-તે વિસ્તારનાં મહત્તમ એર- ટેમ્પરેચરને આધારે આવનાર ત્રણ દિવસ માટેનાં  હોટ સ્પોટ વિસ્તારોમાં ગરમીનો મહાપ્રકોપ વર્તાશે.